શાપર (વેરાવળ) પોલીસ દ્વારા માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત શાપર-વેરાવળ પોલીસે મોટી સફળતા મેળવી છે. વેરાવળના બુદ્ધનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતી એક મહિલાના રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે 90 હજારના આશરે 2 કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જે અંતર્ગત ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, વેરાવળના બુદ્ધનગર મફતિયાપરામાં રહેતી શબાનાબેન નામની મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહી છે.
બાતમીના આધારે પોલીસે શબાનાબેન સામીદભાઇ બુખારીના મકાનમાં દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધરતા ઓરડીમાંથી ગેરકાયદેસર રાખવામાં આવેલ રૂૂ.90 હજારનો 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી શબાનાબેન સામીદભાઇ બુખારી (ઉ.વ. 50) આ માદક પદાર્થનો જથ્થો સુરતના ’હિરેન’ નામના શખ્સ પાસેથી મંગાવતી હતી. આ જથ્થાને તે અલગ-અલગ 2-2 ગ્રામના નાના પડીકીઓ બનાવીને સ્થાનિક વિસ્તારમાં વેચતી હતી.
પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સના છૂટક વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. શાપર વેરાવળ પોલીસે આરોપી શબાનાબેન વિરુદ્ધ ગઉઙજ એક્ટની કલમ 8(સી) અને 20(બી)(2-બી) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ કામગીરીમાં પીઆઈ આર.બી. રાણા, પીએસઆઈ આર.ડી. સોલંકી તથા દિવ્યરાજસિંહ સરવૈયા, મહેન્દ્રભાઇ ધાધલ, અજયભાઇ ખટાણા સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. હાલ પોલીસ આ કેસમાં સુરતના સપ્લાયર હિરેનની શોધખોળ કરી રહી છે.
