મંદિરોમાં દર્શને આવતા ભક્તોના દાગીના ચોરી કરનાર મહિલાની ધરપકડ

રાજકોટમાં અલગ અલગ મંદિરો અને ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુને નિશાન બનાવતી ભીડનો ગેરલાભ ઉઠાવી મંદિરોમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુના સોનાના દાગીનાની ચોરી કરતી એક અત્યંત…

રાજકોટમાં અલગ અલગ મંદિરો અને ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુને નિશાન બનાવતી ભીડનો ગેરલાભ ઉઠાવી મંદિરોમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુના સોનાના દાગીનાની ચોરી કરતી એક અત્યંત શાતીર મહિલા તસ્કરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ચોરીના ભેદ ઉકેલી નાખી આરોપી મહિલા પાસેથી પોલીસે કુલ રૂૂ. 3.42 લાખની કિંમતના સોનાના દાગીના કબ્જે કર્યા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી મંદિરમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને ખાસ કરીને વૃદ્ધો તથા બાળકોના દાગીના ચોરી થયાના બનાવ બન્યા હોય, મંદિરમાં દર્શન દરમિયાન થતી ભીડભાડનો ગેરલાભ ઉઠાવીને તે અત્યંત ચાલાકીપૂર્વક બ્લેડ વડે છરકો મારી સોનાની ચેઇન કે દાગીના કાપી લેતી એક મહિલા આ ચોરીમાં સામેલ હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. ચોક્કસ બાતમીના આધારે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ નીચેથી કૂબલીયાપરાની હંસાબેન ઉર્ફે હંસલી દિલીપ મકવાણા (ઉં.વ. 55)ને ઝડપી લીધી હતી, આરોપી મહિલા પાસેથી પોલીસે કુલ રૂૂ. 3.42 લાખની કિંમતના સોનાના દાગીના કબ્જે કરી 3 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસની કડક પૂછપરછમાં આરોપી મહિલાએ પોતાની મોડસ ઓપરેન્ડી અને કરેલી ચોરીઓની ચોંકાવનારી કબૂલાત આપી હતી. તપાસમાં ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો જેમાં પ્રથમ બનાવ ગત તા. 13-06 ના રોજ કાલાવડ રોડ પર આવેલા બાલાજી હનુમાન મંદિરે દર્શને આવેલા ચેતનભાઈ સરવૈયાના 3 વર્ષના પુત્રના ગળામાંથી રૂૂ. 25 હજારની કિંમતનું ’ઓમ’ પેન્ડલ બ્લેડ મારીને સેરવી લીધું હતું. બીજો બનાવ તા. 11 જુલાઈના રોજ એ જ બાલાજી હનુમાન મંદિરે દર્શનાર્થે આવેલા એક 70 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી રૂૂ. 60 હજારની કિંમતની 2 તોલા સોનાની કંઠી ચોરી લીધી હતી.અને ત્રીજા બનાવમાં રણુજા મંદિરે દર્શનાર્થે ગયેલા જીતેન્દ્રસિંહ ઝાલાના પરિવારના વૃદ્ધાના ગળામાંથી રૂૂ. 1.1 લાખની કિંમતનો દોઢ તોલા સોનાનો ચેઇન નજર ચૂકવી ચોરી લીધો હતો.

આ ત્રણેય ગુનાઓ સંદર્ભે અગાઉ એ-ડિવિઝન અને આજીડેમ પોલીસ મથકમાં અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવની સુચનાથી પીએસઆઈ એસ.એમ.રાણા, વી.ડી.રાવલીયા, અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા , સુભાષભાઇ ધોધારી, તુલસીભાઇ ચુડાસમા, સાગરભાઇ માવદીયા, લાલજીભાઇ હાડગરા, સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા તથા મહીલા પોલીસ કોન્સ્ટેબલ ત્રિપદાબેન, શીલ્પાબેન અને દિવ્યાબેન દ્રારા કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *