જનરલ બોર્ડમાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા સેક્રેટરી વિભાગે મ્યુનિ.કમિશનર પાસે અભિપ્રાય માંગ્યો
મહાનગરપાલિકામાં જીપી એમ સી કલમ 11 હેઠળ જનરલ બોર્ડ તેમજ અન્ય બોર્ડ મીટિંગોમાં સતત ત્રણ વખત ગેરહાજરનાર કોર્પોરેટરને પદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવે તેવો નિયમ અમલમાં છે. ત્યારે ભાજપના વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલભાઇ શુકલ જનરલ બોર્ડમાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા આગામી બોર્ડમાં હાજર રહી શકે કે કેમ ? તેમજ નિયમ મુજબ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવે કે કેમ તે તમામ મુદ્દે સેક્રેટરી વિભાગ દ્વારા મ્યુનિ. કમિશનર પાસે અભિપ્રાય માંગવામાં આવતા મનપામાં ચકચાર મચી ગઇ છે.
મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વોર્ડ નં.7ના ભાજપના કોર્પોરેટર નેહલભાઇ શુકલ સતત ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. તા.20/9 તથા 20/11 અને 20/1ના જનરલ બોર્ડ પૈકી રજા રીપોર્ટ મુકવામાં આવેલ છતાં નિયમ મુજબ મેડિકલ હોય તો પણ ત્રણ બોર્ડમાં ગેરહાજર રહી શકાતુ નથી. આથી તેમની વિરૂધ્ધ કયા પગલા લેવા તેવો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં 2018માં વોર્ડ નં.18ના કોર્પોરેટર ધર્મિષ્ઠા બા જાડેજા આવા સંજોગોમાં ગેરલાયક ઠરયા હતા. છતા કમિશનર દ્વારા આ મુદ્દે શહેરીવિકાસ વિભાગનું માર્ગદર્શન મેળવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
