સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતરનો વિશ્વવિખ્યાત મેળો પૂર્ણ થયા બાદ તરણેતર રોડ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. મેળામાં લાઈટિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પર અજાણ્યા ઈસમોએ લાકડીઓ અને ધોકા વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. થાન તરણેતરનો મેળો પૂર્ણ થતાં સ્માઈલ પ્લીઝ ડિજિટલ લેપ થતાં સ્માઈલ પ્લીઝ ડિજિટલ લેપ ડેકોરેશન ભાવનગરના લાઈટિંગ કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈ માવજીભાઈ પટેલ,ઈશ્વરભાઈ કાનજીભાઈ મોણપરા (બંને રહે. સુરત) પોતાની ગાડી લઈને વતન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નાયરા પેટ્રોલ પંપ પાસે રાત્રે 8-30 કલાકે તરણેતર રોડ પર અચાનક અજાણ્યા ઈસમોએ તેમની ગાડી રોકી હતી અને તમે મેળાનું ટેન્ડર કેમ નાખ્યું હતું? તેમ કહી બોલાચાલી કરી હતી.
ત્યારબાદ અસામાજિક તત્વોએ આવેશમાં આવીને ગાડીમાં બેઠેલા કોન્ટ્રાક્ટર તેમજ તેમની સાથે રહેલા અન્ય એક ભાઈ પર લાકડીઓ અને ધોકા વડે અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કોન્ટ્રાક્ટર અને તેમના સાથીદારને ઈજાઓ પહોંચી હતી. આથી ઈજાગ્રસ્તને સારવાર માટે થાન સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસે હુમલો કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
તરણેતર મેળામાં કામના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે જ્યારે કોઇ બહારની એજન્સી કામ રાખે છે ત્યારે પેટા કોન્ટ્રાક્ટમાં સ્થાનિકને કામ આપવુ જ પડતુ હોય છે. જો આમ ન કરવામાં આવે તો. હુમલો કરવામાં આવે છેઅગાઉ પણ બે વર્ષ પહેલા રાજકોટની એજન્સી ઘારક પર પણ હુમલો કરાયો હતો.
મને બંને હાથ પર વાગ્યું છે અને મારી સાથે હતા એ ભાઈને પગમાં અને દાઢી પર વાગ્યું છે.અમને ઊભા રાખીને એવું પૂછ્યું કે ટેન્ડર તમે શું કામ નાખ્યું એમ કરીને અમને મારવા લાગ્યા. એ લોકો ચાર જણા હતા સીધા ધોકાવાળી જ કરી. – ઘનશ્યામભાઈ પટેલ, ભોગ બનનાર
