સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો તો ત્યાં પત્ની તેના સાગરીતો સાથે પહોંચી, છરી બતાવી ધમકી આપી
ભીલવાસમાં રહેતા અને ઓરકેસ્ટ્રામા કામ કરતા પારસભાઈ પરસોતમભાઇ વાઘેલા (ઉ.વ.40)નવી કોર્ટથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેની પત્ની સ્વેતાએ આંતરી ગાળો આપી અને એક્ટિવાને પાટુ મારતા પારસભાઈનુ એક્ટિવા સ્લિપ થયું હતું ને તેમને ઇજા પહોંચી હતી.
આ મામલે તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાં પણ તેની પત્ની સ્વેતા અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પારસભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,મારી પત્નિ સ્વેતાબેનને મારી સાથે બનતુ ન હોય જેથી આજથી દોઢેક વર્ષ પહેલા મારા ઘરેથી અલગ રહેવા જતા રહેલ અને સાથે અમારો દીકરો અક્ષત પણ લેતી ગયેલ અને મે આ મારો દીકરો પરત મેળવવા માટે કોર્ટમા કેસ કરેલ જે કેસ હુ જીતી જતાં આ મારા દિકરાનો કબ્જો મને મળ્યો છે અને મારી પત્નિ સ્વેતાબેને મારી સામે કોર્ટમાં છુટાછેડાનો કેસ કર્યો હોય અને તે કેસ હાલ કોર્ટમાં ચાલે છે.
ગઈ તા.16/07ના બપોરના હું મારુ એકટીવા લઇને નવી કોર્ટથી મારા ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં માધાપર ચોકડીના પુલ ઉપર પહોચતા મારી પત્ની સ્વેતા તેનુ બાઈક લઇને મારી પાછળ પાછળ આવતી હોય તો તેણે મને કહેલ કે, તું કેમ કોર્ટમાં આવ્યો તો ? અને મને કહેલ કે, તુ અહીં ઉભો રે? એમ કહી ગાળો આપવા લાગેલ અને મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ, અને તેથી મે એક્ટીવા ભગાડી નીકળી ગયેલ અને રસ્તામાં જામનગર રોડ વાકાંનેર સોસાયટી પાસે પહોચતાં મારી પત્ની મારી પાછળ પાછળ આવતી હોય તેણે એક્ટીવાનેને પાટુ મારતા મારુ એક્ટીવા સ્લીપ થઇ જતા હું એક્ટીવા સહીત નીચે પડી ગયો હતો અને શરીરે છોલછાલ જેવી ઇજા થઈ હતી અને મારી પત્ની સ્વેતા ત્યાંથી જતી રહી હતી.
બાદમાં પારસભાઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યાં ટ્રોમા સેન્ટરમાં સારવાર લેતા હતા ત્યારે બપોરના ત્યાં મારી પત્ની સ્વેતા તથા તેની સાથેના બીજા ત્રણેક અજાણ્યા માણસો આવ્યા હતા.
જેમાંથી મને એક વ્યકતિએ છરી બતાવેલ અને મને કહેલ કે,તું કેમ સ્વેતાબેનને હેરાન કરે જેવી વાત મને કરેલ અને આ પહેલા આ મારા પત્ની તથા તેની સાથે ત્રણેક અજાણ્યા ઇસમો મારા ઘરે આવેલ તેવું મને મારા પાડોશી સોનલબેન પરમારએ જણાવ્યું હતું અને આ લોકો ત્યાથી જતા રહ્યા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
