સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં છેલ્લા ચાર મહિનાથી નશેડી પતિના ત્રાસથી અલગ રહેતી પરણીતાને પતિએ ‘તુ અલગ કેમ રહે છે, તુ મારી સાથે આવી જા’ તેવુ કહી મિત્ર સાથે મળી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં રહેતી મમતાબેન યોગેશભાઈ પંડ્યા નામની 35 વર્ષની પરણીતા પાંચ દિવસ પૂર્વે સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે પતિ યોગેશ રતિ પંડ્યા તેના મિત્રો સંજય અને ચંદા સહિતના શખ્સોએ ઝઘડો કરી પેટના ભાગે છરીના ત્રણ ઘા ઝીકી દીધા હતાં. હુમલામાં ઘવાયેલી પરણીતાને તાત્કાલીક સારવાર માટે સાવરકુંડલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ પોલીસચોકીના સ્ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરતા સાવરકુંડલા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મમતાબેન પંડ્યાને સંતાનમાં એક 14 વર્ષનો પુત્ર છે અમરેલી રહેતા નસેડી પતિના ત્રાસથી કંટાળી મમતાબેન છેલ્લા ચાર વર્ષથી અલગ રહે છે. પતિએ તુ અલગ કેમ રહે છે તુ મારી સાથે આવી જા તેમ કહી મિત્રો સાથે મળી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
