નવા વર્ષની શરૂૂઆત સાથે ગુજરાતના પોલીસ વિભાગના નવા સુકાની પણ બદલાશે. નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના હાલના DGP વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થવા જઈ રહ્યું છે. વિકાસ સહાયને ફરી એકવાર એક્સટેન્શન મળે એની કોઈ સંભાવના દેખાતી નથી. આજે સાંજે જ તેમનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અધિકારી બેડામાં ચર્ચા હતી કે નવા DGP તરીકે જી.એસ.મલિકને જવાબદારી મળી શકે છે. જી.એસ.મલિક 1993ની બેંચના IPS અધિકારી છે અને અત્યારે અમદાવાદના પોલીસ કમિશનર છે. એ પહેલાં તેઓ કેટલાંક વર્ષ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા. તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવ્યા ત્યારથી જ ચર્ચા હતી કે આગામી સમયમાં મલિકને રાજ્યના પોલીસવડા બનાવવામાં આવી શકે છે, કારણ કે અગાઉ શિવાનંદ ઝા, આશિષ ભાટિયા સહિતના IPS અધિકારી અમદાવાદ પોલીસ કમિશનરના પદે હતા, ત્યાર બાદ તેમને ગુજરાતના ડીજીપી બનાવાયા હતા, પરંતુ આ વખતે પરંપરા બદલાય શકે, એવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે.
DGP બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમને નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે, જેથી ગુજરાત રાજ્યના 30મા DGP તરીકે રાવની નિમણૂક થવાની શક્યતા વધુ મજબૂત માનવામાં આવી રહી છે.
