મ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પા

નવા ટેન્ડર, બીડ પ્રક્રિયા, સ્ટેન્ડિંગની દરખાસ્ત, બાંધકામ મંજૂરી, કોન્ટ્રાક્ટરોના બિલ સહિતની કામગીરી ઠપ પદાધિકારીઓ તાયફામાં વ્યસ્ત, અરજદારો કચેરીના ધક્કા ખાઇ થાકયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ…

નવા ટેન્ડર, બીડ પ્રક્રિયા, સ્ટેન્ડિંગની દરખાસ્ત, બાંધકામ મંજૂરી, કોન્ટ્રાક્ટરોના બિલ સહિતની કામગીરી ઠપ

પદાધિકારીઓ તાયફામાં વ્યસ્ત, અરજદારો કચેરીના ધક્કા ખાઇ થાકયા

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાની દશા દિવસેને દિવસે માઠી થતી જાય છે. અનેક વિભાગોમાં અધિકારીઓ તેમજ સ્ટાફની અરસ પરસ બદલી કરવા છતાં એક પણ વિભાગની કામગીરી ઉલ્લેખનીય થતી નથી જેનું કારણ સ્ટાફનો અભાવ જાણવા મળેલ છે. જેમાં હવે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ લાંબી રજા ઉપર ઉતરી જતાં ઈન્ચાર્જ તરીકે આજ સુધી કોઈ અધિકારીની નિમણુંક ન થતાં ટાઉન પ્લાનીંગ વિભાગથી લઈને ટેન્ડર સહિતની પ્રક્રિયા ઠપ થઈ ગઈ હોય તેમ જાણવા મળેલ છે. ફાઈનલ મંજુરી કમિશનર દ્વારા આપવાની હોય હાલ સેનાપતિ વગરના સૈન્ય જેવી દશા કોર્પોરેશનની છે. મોટાભાગના વિભાગોમાં ફાઈલોના થપ્પા મંજુરી વાંકે લાગેલા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. છતાં ઈન્ચાર્જની નિમણુંક કરવા મુદ્દે પદાધિકારીઓએ પણ મગનું નામ મરી ન પાડતા પ્રજાના કામો લટકી પડ્યા છે.


મહાનગરપાલિકામાં અગ્નિકાંડ બાદ મોટાભાગના અધિકારીઓની અરસપરસ બદલીઓ કરી દેવામાં આવી છે. પારદર્શક વહીવટ થાય અને કૌભાંડો અટકે તે માટે સરકાર દ્વારા કમિશનર ડી.પી. દેસાઈની નિમણુંક કરવામાં અવાી હતી. તેમના દ્વારા અનેકવિધ પગલાઓ લઈ કોર્પોરેશનની ઉતરી ગયેલી ગાડી પાટે ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે તમામ વિભાગની કામગીરી રાબેતા મુજબ થઈ જશે તેવું લાગી રહ્યુ હતું. તેવામાં થોડા સમય પહેલા ડી.પી. દેસાઈ પોતાના પારિવારીક પ્રસંગોપાત રજા ઉપર ગયેલ તેમના સ્થાને ઈન્ચાર્જ તરીકે કલેક્ટરની નિમણુંક કરવામાં આવેલ ત્યાર બાદ આવેલ જનરલ બોર્ડની કામગીરી પણ ડેપ્યુટર કમિશનરની અધ્યક્ષતામાં નિફટાવવામાં આવી હતી. ત્યાર બાદ કમિશનર રજા ઉપરથી આવી જશે અને તમામ વિભાગની કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ લાગતુ હતુ ત્યારે જ મ્યુનિસિપલ કમિશનરની કોર્પોરેશન ખાતે હાજર થવાના દિવસે જ ફરી વખત એક માસની રજા મુકી હોવાનુંસુત્રોએ જણાવ્યું હતું.

જેના લીધે ખાસ કરીને હવે પછી પ્રસિદ્ધ થનારા તમામ પ્રકારના કામોના ટેન્ડરોમાં વિક્ષેપ આવ્યો છે અને વિભાગ દ્વારા ડિમાન્ડ મુકવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા હાલ અટકી પડી છે. જેની સામે ટાઉન પ્લાનીંગ વિભાગમાં આવેલ નવા બાંધકામોની ફાઈલો તેમજ અન્ય વિભાગ દ્વારા વિવિધ કામો માટે મ્યુનિસિપલ કમિશનરની મંજુરી તેમજ સહી ફરજિયાત હોય તેવા તમામ કામોની ફાઈલોના હાલ થપ્પા લાગી ગયાનું જાણવા મળેલ છે. તેવી જ રીતે કોઈ અધિકારીએ પોતાના વિભાગમાં થતી કામગીરી માટે સલાહ સુચન લેવાના હોય તે પણ અટકી જતાં હાલ મોટાભાગના વિભાગની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. જેના લીધે અરજદારો રોજે રોજ કોર્પોરેશન કચેરીએ ધક્કાખાઈ રહ્યા છે. છતાં જવાબ દેવાવાળું કોઈ હાજરમાં નથી.


મહાનગરપાલિકાના કમિશનર રજા ઉપર જાય ત્યાર નિયમ મુજબ ડેપ્યુટી કમિશનરને ચાર્જ સોંપવામાં આવતો હોય છે. પરંતુ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારને કોઈ ઉપર ભરોસો ન હોય તેમ આ વખતે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ રજા ઉપર જતા તેમનો ચાર્જ થોડા સમય માટે કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. પ્રથમ રજા પૂર્ણ થયા બાદ કમિશનર એક માસની રજા ઉપર ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છતાં પદાધિકારીઓએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી અને ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરવા મુદદ્દે પણ ચૂપકીદી સેવી લીધી હોય તેવું વાતાવરણ કોર્પોરેશન કચેરીમાં જોવા મળી રહ્યું છે. હાલ મ્યુનિસપલ કમિશનર રજા ઉપર હોય કોર્પોરેશનનની તમામ પ્રકારની કામગીરીને બ્રેક લાગી હોય અથવા લગડધગડ ચાલતી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સ્ટેન્ડિંગની દરખાસ્ત પણ અટકશે

મહાનગરપાલિકાના તમામ વિભાગોમાં નવાકામ કરવાના હોય ત્યારે જે તે વિભાગના ઉચ્ચઅધિકારી દ્વારા આ પ્રોજેક્ટની ડિમાન્ડ તેમજ સંપૂર્ણ વિગત સાથે મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત કરવામાં આવતી હોય છે. જેના આધારે કમિશનર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ટેન્ડર પ્રસિદ્ધ થતાં હોય છે. બીડ ખુલ્યા બાદ ફાઈનલ એજન્સીને કામ આપવાનું હોય ત્યારે તેની દરખાસ્ત કમિશનર દ્વારા તૈયાર કરી સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુરી અર્થે મોકલવાની થાય છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર હાલ એક માસ રજા ઉપર ગયેલ હોય તેમજ ઈન્ચાર્જ તરીકે કોઈ અધિકારીની નિમણુંક કરવામાં આવી નથી. જેથી હાલમાં મુદત પૂરી થઈ રહી હોય તેવા ટેન્ડરોનું બીડ ખોલ્યા બાદ એજન્સી નક્કી કરાશે ત્યારે આ કામની મંજુરી માટેની દરખાસ્તને મંજુરી આપી સ્ટેન્ડીંગમાં કોણ રજૂ કરશે તે બાબતે પણ કોકડુ ગુંચવાયું હોય તેમ જાણવા મળેલ છે. જેના લીધે નવા કામોની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં સમયસર નહીં આવે અને લોકોના કામ પણ ટલ્લે ચડશે તેવુ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *