ચાર-પાંચ દાયકાથી રહેતા લોકોનો આશરો છીનવાતા ભારે રોક્કળ સાથે ઠાલવેલી વેદના
કોઇ મકાન ભાડે આપવા તૈયાર નથી, અનેક પરિવારો રસ્તા પર આવી ગયા
તંત્રએ સંવેદના ગુમાવી, 8 દિવસની મુદત આપી હવે બે દિવસમાં ખાલી કરવા જણાવી દીધું
રાજકોટ શહેરમાં આજથી ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 1,400થી વધુ મિલકતો તોડી પાડવાના આ અભિયાનમાં 3,200થી વધુનો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. 1,200 મનપા કર્મી અને 2,000 પોલીસ જવાનો તૈનાત ડિમોલિશનની કામગીરીને પગલે ભક્તિનગર સર્કલ નજીક શેઠ હાઇસ્કૂલ ખાતે મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ડિમોલિશનની આ પ્રક્રિયા વચ્ચે અનેક પરિવારો લાચાર બન્યા છે. જંગલેશ્વર શેરી નં. 3માં રહેતા અને જન્મથી દિવ્યાંગ એવા હારુનભાઈ સુમરાએ ડૂસકું ભરતા જણાવ્યું હતું કે, “હું 43 વર્ષથી અહીં રહું છું. હું અને મારી બહેન બંને દિવ્યાંગ છીએ. મજૂરી કરીને આ ઘર બનાવ્યું હતું. બે દિવસ પહેલા જ જાણ કરવામાં આવી કે મકાન તોડાશે. અમે કલેક્ટર કચેરીએ પણ ગયા, પણ કોઈ રસ્તો ન નીકળ્યો. હવે અમારે રોડ પર રહેવાનો વારો આવ્યો છે. રહીશ હલીમબેને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, “50 વર્ષથી અહીં વસવાટ કરીએ છીએ. તંત્રએ મકાન ખાલી કરવા કહી દીધું પણ 8 વ્યક્તિના પરિવારને કોઈ ભાડે મકાન આપવા તૈયાર નથી. હવે રોડ પર આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.”
ભાવનાબેન ભરવાડે વ્યથા ઠાલવતા કહ્યું કે, અધિકારીઓએ આખું મકાન તોડી પાડવાની સૂચના આપી છે અને બદલામાં વળતર આપવાનો ઈન્કાર કર્યો છે. મારી પાસે 1996ના કાગળો છે અને અગાઉ સનદ ભરીને મકાન કાયદેસર કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે તે દસ્તાવેજો માન્ય રખાતા નથી. મકાન સામે મકાન આપવામાં આવે અથવા સનદ ભરાવીને તેને કાયદેસર કરવામાં આવે. અગાઉ 8 દિવસની મુદત આપી હતી, જે ઘટાડીને હવે માત્ર 2 દિવસ કરી દેવામાં આવી છે અને રવિવાર સુધીમાં બુલડોઝર ફેરવી દેવાની ચીમકી અપાઈ છે. આ આખી પ્રક્રિયામાં 5 મકાનો તોડવાની વાત છે. રસોઈના સમયે અને બાળકોની સ્કૂલના સમયે અધિકારીઓ સૂચનાઓ આપવા માટે આવતા હોવાથી રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા અમને મકાન સામે મકાન આપવામાં આવે તેવી અમારી માંગ છે.જ્યારે ગૌરીબેન પરમાર તો મીડીયા સમક્ષ રડી પડ્યા અને જણાવ્યું હતું કે, તમે લોકો અમારા મકાન પાડી નાખો તો અમારે જવું ક્યાં? અમને નાના માણસને કોઈ ભાડે મકાન પણ આપતું નથી. હવે અમારે ક્યાં જવું? પેરેલિસિસ પીડિત કુસુમબેન ભાયાણી નામના વૃદ્ધાએ જણાવ્યું કે, 2005માં માર્કિંગ કર્યું હતું, તે પછી એકવાર માર્કિંગ કરી ગયા છે.
હજી એરો મારેલો છે ત્યાં મારા ભાઈના મકાનમાં. મારે એરો માર્યો જ નથી. મારું મકાન સાવ સાફ જ પાટલો થઈ ગયું છે, મકાનમાં કાંઈ નથી. પહેર્યા લૂગડાંય નહોતા રહ્યા ભાઈ. 2007માં મકાન પડી ગયું ને ત્યારે અને 2011માં મકાન દીધા તો અમને મકાન ન દીધું. મકાન ઉપર ફોટો મારા ઘરવાળાનો પાડ્યો, તોય મકાન મને ન દીધું. હું અત્યારે કારખાનાનું કામ કરું છું અને રૂૂ. 50નું કામ થાય છે. મને માંગ એ છે કે મારું મકાન ભલે પાડી નાખે ના નથી. મને આશરો દઈ દે ભાઈ. મને કોણ સાચવે આ ઉંમરમાં?
હું અને મારી બહેન દિવ્યાંગ છીએ, મજૂરી કરી માંડ માંડ ઘર બનાવ્યું
જંગલેશ્વર શેરી નંબર 3માં રહેતા 43 વર્ષીય હારુનભાઈ સુમરાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, મારો જન્મ અહીં જ થયો છે અને છેલ્લા 43 વર્ષથી હું અહીં રહું છું. હું અને મારી બહેન બંને દિવ્યાંગ છીએ. મજૂરી કામ કરીને માંડ-માંડ પરિવારનું ગુજરાન ચલાવું છું. હવે જ્યારે આ મકાન તોડી પાડવાની વાત આવી છે, ત્યારે અમને સમજાયું નથી કે ક્યાં જવું?” તેઓ અને અન્ય દિવ્યાંગો પોતાની રજૂઆત લઈને મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર કચેરી સુધી ગયા હતા. તેમ છતાં, બે દિવસ પહેલાં જ તેમને જાણ કરવામાં આવી કે તેમનું મકાન તોડી પાડવામાં આવશે. તેમણે ભીની આંખે પ્રશ્ન કર્યો કે, આ ઉંમરે અને આ શારીરિક સ્થિતિમાં અમારે હવે રોડ ઉપર રહેવાનો વખત આવ્યો છે.
