બાંટવામાં પ્રમુખ પર હુમલો થતાં પાલિકાએ આરોપીના થડા તોડી પોતાની જ મિલકતને નુકસાન કર્યું !

બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ગઈકાલે હુમલો થયા બાદ ગિન્નાયેલી નગરપાલિકાએ આરોપીને આપેલા શાકભાજીના થડા તોડી નાખ્યા છે. તંત્રવાહકો કોઈ ગેરકાયદેસર મિલ્કત તોડી પાડે એ તો…

બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ગઈકાલે હુમલો થયા બાદ ગિન્નાયેલી નગરપાલિકાએ આરોપીને આપેલા શાકભાજીના થડા તોડી નાખ્યા છે. તંત્રવાહકો કોઈ ગેરકાયદેસર મિલ્કત તોડી પાડે એ તો સમજી શકાય એવી બાબત છે પરંતુ આરોપીને જે થડા અપાયા હતા તે નગરપાલિકાની માલિકીના જ છે. આ થડા તોડી પાડી નગરપાલિકાએ હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી કરી છે.

બાંટવાના ભીમનાથ રોડ પર ગત રવિવારે ખાડાના કારણે રિક્ષા પલ્ટી ખાઈ જઈને ત્યાંથી સાયકલ પર પસાર થઈ રહેલાં બાળક પર પડતાં બાળકને ઈજા થઈ હતી. આ બાબતથી રોષે ભરાયેલા બાળકના પિતા રામા રાજા ગળચરે ગત રવિવારે નગરપતિ સુનિલ પિતાંબરદાસ જેઠવાણીને ફોન કરી બેફામ ગાળો આપી હતી, જ્યારે ગઈકાલે બજાર વચ્ચે પાલિકાના પ્રમુખ સુનિલ જેઠવાણી પર પાઈપ વડે હુમલો કર્યો હતો. લખમણ ઉર્ફે ગોગો રાજા ગળચર અને અભિષેક રામા ગળચરે પણ માર મારી ખિસ્સા ફાડી નાખી 12,000 ની લૂંટ કરી હોવા મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ દરમિયાન નગરપાલિકાએ આરોપી રામા રાજા ગળચરને શાક માર્કેટમાં આપેલા ત્રણ થડા તોડી નાખ્યા હતા. જાણવા મળ્યા મુજબ, ત્રણ થડા રામા ગરચર અને તેના ભાગીદારના હતા જે નગરપાલિકાએ તેમને આપ્યા હતા. આમ, પાલિકાએ પોતાની મિલ્કતનું ડિમોલિશન કરી હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી કરી હતી. આ બાબતથી બાંટવા નગરજનોમાં ચર્ચા વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *