જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓના આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આણંદપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ બાળક પર મોડી રાત્રે દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. માતાની પડખે સૂતેલા બાળકને દીપડાએ જડબામાં દબાવી ખેંચવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.મૂળ ઇવનગરના રહેવાસી અને આણંદપુરમાં મજૂરી કરતા પિતા સામજીનાથે ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે, રાત્રે આશરે અઢી વાગ્યાની આસપાસ ઘરમાં અચાનક કીડીઓ નીકળતા પરિવાર ઘરની બહાર ખુલ્લામાં સૂવા માટે ગયો હતો.
આશરે એક કલાક બાદ, અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં આવી ચડ્યો હતો. દીપડાએ સીધો જ જમીન પર સૂતેલા 4 વર્ષના જયરાજ પર હુમલો કરી તેને પકડી લીધો હતો.બાળક પર હુમલો થતા જ તેની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેનાથી બાજુમાં જ ખાટલા પર સૂતેલા પિતા જાગી ગયા હતા. સામજીનાથે જોયું કે દીપડો તેમના પુત્રને મોઢામાં પકડીને ખેંચી રહ્યો હતો. તેમણે જરાય ડર્યા વગર દીપડા સામે જોરદાર પડકારો ફેંકતા અને દેકારો કરતા દીપડો ગભરાઈ ગયો હતો અને બાળકને છોડીને ખેતરોમાં ભાગી છૂટ્યો હતો.
આ હુમલામાં જયરાજના માથા અને મોઢાના ભાગે દીપડાના દાંત અને નહોર વાગવાથી ગંભીર ઇજાઓ પહોંચી છે. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી અને છોકરાને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.આ ઘટનાને પગલે આણંદપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. શ્રમિક પરિવારોમાં ફફડાટ છે કે વન્ય પ્રાણીઓ હવે માનવ વસાહત સુધી પહોંચી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આ નરભક્ષી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે. હાલમાં વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
