ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલ અંગે બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડી દીધું પણ આ નિવેદનમાં ટ્રેડ ડીલ વિશે ઉપરછલ્લી વાતો જ છે. ડીલ વચગાળાનું છે અને હજુ ફાઈનલ ડીલ બાકી છે તેથી એવું કરાયું હશે પણ આ ઉપરછલ્લી વાતોના કારણે પણ આ ટ્રેડ ડીલ ખરેખર ભારતના ફાયદામાં હોવા વિશે શંકાઓ ઊભી થઈ જ ગઈ છે.
ગોયલના કહેવા પ્રમાણે, ભારત અને અમેરિકા એક દાયકામાં દ્વિપક્ષી વ્યાપાર 500 અબજ ડોલર પર લઈ જવા માટે સંમત થયાં છે. સવાલ એ છે કે, આ 500 અબજ ડોલરના દ્વિપક્ષી વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો હશે ? ગોયલે આ વાતનો ફોડ પાડ્યો નથી ભારતને દ્વિપક્ષી વ્યાપારમાં નિકાસ વધે તો જ ફાયદો થાય પણ આ ડીલમાં એવી કોઈ જોગવાઈ નથી. અમેરિકા ભારતમાં વરસે 400 અબજ ડોલરનો માલ ખડકે ને ભારતનો 100 અબજ ડોલરનો માલ અમેરિકા જાય તો પણ દ્વિપક્ષી વ્યાપાર 500 અબજ ડોલર થઈ જાય પણ તેમાં ભારતે કમાવાનું કંઈ નથી.
આ કરારમાં અમેરિકા ભારત પાસેથી દર વરસે કેટલો માલ લેશે તેની કોઈ ખાતરી નથી, સામે ભારતે અમેરિકા પાસેથી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરનો માલ લેવો પડશે એવી જોગવાઈ છે. મતલબ કે, અમેરિકા ભારતને વરસે 100 અબજ ડોલરનો માલ તો આપશે જ. આ એકપક્ષીય ને અમેરિકાને ફાયદો થાય એવી શરત છે તો પછી ડીલથી ભારતને કઈ રીતે ફાયદો થયો કહેવાય ?
ગોયલે પોતે જ કહ્યું છે ને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ છે કે, શાકભાજીના બી, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસને પારસ્પરિક ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે. મતલબ કે, ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારમાં ડ્યૂટી-ફ્રી પ્રવેશ કરશે પણ સામે અમેરિકાનો માલ પણ ભારતમાં કોઈ પણ ડ્યૂટી વિના ઠલવાશે.
ભૂતકાળમાં ચીનનો સસ્તો માલ ભારતમાં ઠલવાતો તેના કારણે ભારતના નાના-કારીગરો તબાહ થઈ ગયા. હવે અત્યારે સ્વદેશીનાં નાટકો કરીને આપણા કારીગરોને ઉગારવાના તાયફા થાય છે. અમેરિકાનાં સસ્તાં કૃષિ ઉત્પાદનો ભારતમાં ખડકાશે એટલે એ જ હાલત ખેડૂતોની થશે ને પાંચ-દસ વર્ષ પછી ખેડૂતોને બચાવવાના નામે નાટકો થશે.
