શહેરમાં બનેલા ફાયરીંગના બનાવ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતા ગુનેગારો સામે કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હોય આ આદેશોને પગલે પીસીબીની ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક પર એક મોટો પ્રહાર કરવામાં આવ્યો છે.પીસીબીએ હાથ ધરેલા એક સફળ ઓપરેશનમાં, ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને વેચાણ કરતી કુખ્યાત વેપન કાર્ટેલ સામે શરુ કરેલી ઝુબેશમાં ત્રણ પિસ્તોલ સાથે વેપન કાર્ટેલ વધુ ત્રણ સાગ્રીતોની ધરપકડ કરવામાં આવી છે.
આમ પીસીબીની ટીમે અત્યાર સુધી વેપન કાર્ટેલના મળતી વિગતો અનુસાર પી.સી.બી.ના પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીસીબીની ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયારના વેપાર સાથે સંકળાયેલા 14 જેટલા ઈસમોને કુલ 31 દેશી બનાવટના હથિયારો અને 32 નંગ જીવતા કાર્તૂસ સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આ પકડાયેલા આરોપીઓ પૈકીના એક મુખ્ય આરોપી મિરઝાપુરના સકીલ સાદીક મન્સુરીની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન એક મહત્વનો ખુલાસો થયો હતો. સકીલે કબૂલાત કરી હતી કે તેણે અગાઉ સુરેન્દ્રનગર અને રાજકોટના અન્ય ત્રણ ઈસમોને ગેરકાયદેસર દેશી બનાવટના ઘાતક હથિયારો સપ્લાય કર્યા હતા.
આ ચોક્કસ માહિતીના આધારે પી.સી.બી. ની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને સકીલ સાદીક મન્સુરી પાસેથી હથિયાર ખરીદનાર ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.પીસીબીના સકંજામાં આવેલામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી (કાળાસર) ગામનો રીક્ષા ડ્રાઈવર કિશોરભાઈ ઉર્ફે ભગત વજાભાઈ કોબીયા (ઉંમર વર્ષ 36), ચોટીલા હાઈવે પર ગોકુળધામ સોસાયટીમાં રહેતો રીક્ષા ડ્રાઈવર વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઈ સાંકળીયા (ઉંમર વર્ષ 33) અને રાજકોટના આર.ટી.ઓ. પાસે માલધારી સોસાયટીમાં રહેતો સાવનભાઈ કેશુભાઈ ડાભી (ઉંમર વર્ષ 26) નો સમાવેશ થાય છે. ઝડપાયેલો કિશોર ઉર્ફે ભગતનો ભાઈ ખરેડી ગામનો સરપંચ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ ત્રિપુટી પાસેથી પોલીસને રૂૂ.30,000ની દેશી બનાવટની એક-એક પિસ્તોલ એમ કુલ નંગ-3 પિસ્તોલ મળી આવી છે, આ ત્રિપુટીની ધરપકડ સાથે જ આ સમગ્ર વેપન કાર્ટેલ ના પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 17 થઈ ગઈ છે અને તેમની પાસેથી અત્યાર સુધીમાં કુલ 34 દેશી બનાવટના હથિયારો તેમજ 32 નંગ જીવતા કાર્તૂસ જપ્ત કરવામાં સફળતા મળી છે.
આ ઓપરેશનને સફળ બનાવવામાં પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સાથે મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા , યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી. પીસીબીની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ કાર્ટેલ સાથે જોડાયેલા અન્ય સાગરીતોના નામો ખૂલવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
