રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે સરકારી આવાસના ક્વાર્ટર વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી આબેદાબેન હનીફભાઈ પિંજારા (ઉંમર વર્ષ 50) એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 23 જૂન 2026ના રોજ સાંજના આશરે છ વાગ્યાની આસપાસ ઘટી હતી, જ્યારે ફરિયાદી અને તેમના પતિ ઘરની બહાર બેઠા હતા. આ વસાહતમાં જ રહેતા મુમતાજબેનનો દીકરો ભુરો કોઈ અજ્ઞાત કારણોસર ફરિયાદીના મોટા દીકરા સદામ (ઉંમર વર્ષ 30) ને જાહેરમાં ગાળો આપી રહ્યો હતો અને અચાનક તેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.
જ્યારે આબેદાબેન અને તેમના પતિ હનીફભાઈ પોતાના દીકરા સદામને વધુ મારમાંથી બચાવવા માટે વચ્ચે પડ્યા, ત્યારે નજીકમાંથી અન્ય આરોપીઓ ધસી આવ્યા હતા. જેમાં મુમતાજબેનનો જમાઈ મેમણ, મેમણનો ભાઈ અલ્તાફ અને મુમતાજનો પતિ અસ્લમભાઈ સામેલ હતા. આ ત્રણેય જણાએ આવીને ફરિયાદીના પરિવારને બેફામ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીઓ અલ્તાફ, અસ્લમભાઈ અને મેમણે ફરિયાદીના ઘર તરફ છૂટા પથ્થરના ઘા ઝીંક્યા હતા, જેના કારણે ઘરની બારીના કાચ તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું. ત્યારબાદ મુમતાજબેન અને તેમનો જમાઈ મેમણ પણ ત્યાં આવ્યા હતા અને ગાળો આપવાની ના પાડતા ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ભુરો અને મેમણ નામના આરોપીઓએ ફરિયાદીના પતિ હનીફભાઈને પણ માર મારવાનું શરૂૂ કર્યું હતું. પતિને બચાવવા જ્યારે આબેદાબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપી ભુરાએ પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી આબેદાબેનના ડાબા હાથના કાંડાના નીચેના ભાગે મારી દીધી હતી, જેનાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ હિંસક હુમલા દરમિયાન મુમતાજબેનના જમાઈ મેમણે પણ લાકડાનો ધોકો લાવી આબેદાબેનના ડાબા હાથના પોંચા પર જોરદાર ફટકો માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર મૂઢ ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપી ભુરો અને મેમણે ફરિયાદી તથા તેમના પરિવારને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, અહીં અમે કહીશું તેમજ ચાલશે અને જો હવે કંઈ બોલશો તો તમને પતાવી દઈશું. આ ધમકી આપીને તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલા અને તેમનો પરિવાર તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આપવીતી જણાવી ન્યાયની માંગ કરી હતી.
આ સમગ્ર મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.એસ. ઝાલાએ ફરિયાદી આબેદાબેનની રૂૂબરૂૂ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી મુમતાજબેનનો દીકરો ભુરો, મુમતાજબેનનો જમાઈ મેમણ, મેમણનો ભાઈ અલ્તાફ, મુમતાજનો પતિ અસ્લમભાઈ અને મુમતાજબેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
