અમે બરફના પંખી, ટહુંકે ટહુંકે પીગળીએ જેવી કવિતાઓ અને નિબંધ લખનાર સુપ્રસિદ્ધ જરાતી નિબંધકાર અને કવિ અનિલ જોશીનું નિધન થયુ છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. માંદગીને કારણે હોસ્પિટલમાં રહ્યા બાદ હોસ્પિટલમાંથી ઘરે આવ્યાના અમુક દિવસોમાં તેમનું મુંબઈમાં નિધન થયું.
અનિલ રમાનાથ જોશીનો જન્મ 28 જુલાઇ 1940ના રોજ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે 1964માં એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેઓ ગુજરાતી નિબંધકાર અને કવિ હતા.
કવિ અનિલ જોશીએ 1962-1969 દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ 1971થી 1976 સુધી કોમર્સ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. 1976-77માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવતા હતા.
ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના કદાચ (1970) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. બરફના પંખી (1981) કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ તરેહો સાથે અનેક અછાંદસ કાવ્યરચનાઓ છે. સ્ટેચ્યૂ (1988) એમનો, કાવ્યની નજીક સરતા બોલપેન, બારીને પડદાનું કફન , કાગડો ધોળા દિવસનું અંધારું છે જેવાં અંગતનિબંધોનો સંગ્રહ છે; તો પવનની વ્યાસપીઠે (1988) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે.
