ગીરના જંગલમાં પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટ શરુ

કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરાયા વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ…

કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરાયા

વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતા વન્યજીવોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવેલા પાણીના કુંડા ને સાફ કરી તેમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરી તેમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ શરૂૂ કરાઈ છે. આ કામગીરીના કારણે સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓ ઉનાળાની ગરમી દરમિયાન પીવાનું પાણી સરળતાથી મળી રહેશે. વન વિભાગની આ પહેલી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણી માટે મોટી રાહત સર્જાઈ છે.

આ અંગે માહિતી આપતા સહાયક વન સંરક્ષક પ્રજાપતિએ જણાવેલ કે, વેરાવળ રેન્જ હેઠળ સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં 20 થી વધુ સિંહોનો સમૂહ વસવાટ કરે છે, ઉપરાંત દીપડા સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ હોય છે, પરંતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં આ સ્ત્રોતો સુકાઈ જતા વન્યજીવો માટે પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેરાવળ રેન્જમાં કુલ 8 કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ આઠ પોઇન્ટ માંથી પાંચ પાણીના પોઇન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, જ્યારે બે પોઈન્ટ હેન્ડપમ્પ દ્વારા અને એક પોઈન્ટ પવનચક્કી (વિન્ડ મિલ) મારફતે ભરવામાં આવે છે.

અધિકારી પ્રજાપતિએ વધુમાં જણાવેલ કે, ઉનાળાની ઋતુમાં આવા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવાથી વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે. ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં ન જાય અને માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ન બને તે માટે આ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. વન વિભાગ દ્વારા આ પાણીના પોઈન્ટ ને નિયમિત દેખરેખ, સફાઈ અને પાણી ભરવાની કામગીરી માટે ખાસ બે કર્મચારીઓ પણ નિમણૂક કરવામાં આવી છે. વન વિભાગના આ પ્રયાસોથી ઉનાળાની કઠિન ઋતુ દરમિયાન ગીર વિસ્તારના વન્યજીવોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *