વેરાવળ શહેરમાં ખાદ્ય તેલમાં ભેળસેળ ની ફરિયાદો મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે એસ ઓ જી અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે તેલ ના વેપારીને ત્યાં દરોડો પાડી તપાસ શરૂૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી એસ ઓ જી પોલીસે ફૂડ વિભાગ સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ભેળસેળયુક્ત દૂધ અને તેલની બનાવટો દ્વારા લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે તાલાલાના વાડી વિસ્તારમાં પણ એસ ઓ જી પોલીસે ફૂડ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તે સમયે આશરે 16,000 કિલોગ્રામ શંકાસ્પદ કેરીનો રસ મળી આવ્યો હતો, જે બે વર્ષ જૂનો હોવાનું અને લગ્નની સિઝનમાં વેચવા માટે નો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી પણ ભેળસેળ અટકાવવાના વ્યાપક અભિયાન નો એક હિસ્સો હતી.
