રાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપ

રાજકોટ શહેરમાં તહેવારોની મોસમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ વચ્ચે જ નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શહેરના…

રાજકોટ શહેરમાં તહેવારોની મોસમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ વચ્ચે જ નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં મહત્વપૂર્ણ કામગીરીના કારણે પાણી કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ભાદર યોજનાના ગોંડલ પમ્પિંગ સ્ટેશન ખાતે ઈલેક્ટ્રિકલ-મિકેનિકલ મશીનરી ઓગ્મેન્ટેશન કામગીરી અંતર્ગત નવી 900 એમ.એમ. હેડર લાઈન સાથે મશીનરીનું જોડાણ કરવાનું હોવાથી તેમજ નવી પાઈપલાઈન લાઈન સાથે જોડાણની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આગામી તારીખ 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ રાજકોટના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. તહેવારના દિવસોમાં જ પાણી કાપ જાહેર થતાં ગૃહિણીઓ અને પરિવારજનોની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, શટડાઉનની કામગીરી બે અલગ-અલગ તબક્કામાં હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે તારીખ 30 ઓગસ્ટ 2026, રવિવારના રોજ સેન્ટ્રલ ઝોન (ઈણ) હસ્તકના ગુરુકુળ હેડવર્કસ આધારિત ઢેબર રોડ સાઈડના તમામ વિસ્તારોમાં શટડાઉન રહેશે. આ કામગીરીના લીધે વોર્ડ નં. 7 (પાર્ટ), 14 (પાર્ટ) અને 17 (પાર્ટ) હેઠળ આવતા મુખ્ય વિસ્તારો જેવા કે ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર, વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર સોસાયટી, ધર્મજીવન સોસાયટી, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની, નારાયણ નગર ભાગ-1 અને 2, ઢેબર કોલોની, હસનવાડી, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દિરાનગર, મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગીતાંજલી સોસાયટી, તથા ગાયત્રી બગીચા આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

ત્યારબાદ બીજા તબક્કામાં તારીખ 01 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ સવારે 3:00 વાગ્યાથી સવારના 11:00 વાગ્યા સુધી આજીથી મવડી તરફ જતી મેઈન લાઈન સાથે નવી પાઈપલાઈન જોડાણ માટે વેસ્ટ ઝોન (ઠણ) ના મવડી હેડવર્કસ આધારિત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. આ કામગીરીને કારણે વોર્ડ નં. 8 (પાર્ટ), 10 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ) અને 13 (પાર્ટ) ના વિસ્તારો પ્રભાવિત થશે. જેમાં રામધામ, ન્યુ કોલેજવાડી, જગનાથ પ્લોટ, સાંઈનગર, જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, શિવમ પાર્ક, ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, સરદાર પટેલ આવાસ, મવડી ગામ (પાર્ટ), ગીરનાર સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, ઉદય નગર, ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પુનિત નગર, સતનામ સોસાયટી, ઓમનગર, હિમાલય પાર્ક, ભવાની નગર, સન સિટી, શ્યામ વાટિકા, અને આંબેડકર નગર (પાર્ટ) સહિતની વિશાળ સોસાયટીઓમાં સવારના સમયે પાણી વિતરણ થશે નહીં.રક્ષાબંધન અને તહેવારોના દિવસો દરમિયાન જ આ શટડાઉન આવતું હોવાથી નાગરિકોને દૈનિક વપરાશ અને તહેવારની તૈયારીઓમાં કોઈ અગવડતા ન પડે તે માટે અગાઉથી જ જરૂૂરી પાણીનો પુરતો સંગ્રહ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહાનગરપાલિકાની મશીનરી અને પાઈપલાઈન ઓગ્મેન્ટેશનની આ કામગીરી ભવિષ્યમાં શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુચારુ અને મજબૂત બનાવવા માટે અત્યંત જરૂૂરી હોવાથી જાહેર જનતાને તંત્રને સાથ-સહકાર આપવા રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટના એડિશનલ સિટી એન્જિનિયર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *