કોસ્ટગાર્ડ દ્વારા બેન્ડ સુરાવલીથી સ્વાગત, પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા બની વધુ મજબૂત
પાક જળસીમાઓ દુશ્મનો ઉપર બાજનજર રાખવા લડાકૂ જહાજ’ શૌર્ય’ પોરબંદર ખાતે પૂન:તૈનાત કરવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ ’શૌર્ય’ નું પોરબંદર ખાતે પુન:સ્થાપન કરાયું છે જેટી ખાતે આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં બેન્ડ ની સુરાવલીઓ સાથે શીપનું ભવ્ય સ્વાગત કરાયું હતું શીપના આગમનથી ઉત્તર-પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થામાં વધારો થશે તેવું કોસ્ટગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું ભારતીય કોસ્ટ ગાર્ડના મુખ્યાલય દ્વારા લેવામાં આવેલા વ્યૂહાત્મક નિર્ણય અનુસાર આજે તા 1 એપ્રિલથી અત્યાધુનિક જહાજ આઈસીજીએસ ’શૌર્ય’ને પોરબંદર ખાતે તેના નવા હોમ બેઝ પર કાર્યરત કરવામાં આવ્યું છે.
આ જહાજ હવે ભારતીય કોસ્ટ ગાર્ડના રીજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) હેઠળ પોતાની સેવાઓ આપશે.આ જહાજનું સાત વર્ષ પૂર્વે ગોવામાં કમીશન કરાયા બાદ ચેન્નાઈ ખાતે કાર્યરત હતું ચેન્નાઈ ખાતેથી આજે શીપ પોરબંદર આવી પહોંચતા જેટી ખાતે કોસ્ટયાડતા અધિકારીઓની ઉપસ્થિતિમાં બેન્ડની સુરાવલીઓ સાથે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
મલ્ટીમિશન પ્લેટફોર્મ તરીકે ડીઝાઈન કરેલ આ જહાજ અહીં કાર્યરત થતા ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠા અને ઓફશોર એસેટ્સ (જેમ કે રિફાઈનરી અને પોર્ટ્સ)ની સુરક્ષા વધુ અભેધ બનશે. પાકિસ્તાનસરહદ નજીક હોવાથી, અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પર ચાંપતી નજર રાખી શકાશે. માછીમારો ઘણીવાર દરિયામાં મુશ્કેલીમાં મુકાતા હોય છે ’શૌર્ય’ તેમના હિતોનું રક્ષણ કરશે અને કટોકટીના સમયે મદદ પહોંચાડશે. કોઈપણ આકસ્મિક ઘટના, દરિયાઈ પ્રદુષણ અથવા બચાવ કામગીરી માટે કોસ્ટ ગાર્ડની ક્ષમતામાં અનેકગણો વધારો થશે.આ જહાજ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ દરિયાઈ પર્યાવરણના રક્ષણ અને નેશનલ મેરીટાઇમ ઇન્ટરેસ્ટ (રાષ્ટ્રીય દરિયાઈ હિતો) ની જાળવણી માટે પણ પાયાનો પથ્થર સાબિત થશે.
મેઈક ઈન ઈન્ડિયા શૌર્ય અત્યાધુનિક સુવિધાથી સજ્જ
અધિકારીઓએ જણાવ્યું હતું કે ’શૌર્ય’ એ ભારતીય દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવા માટે સક્ષમ ’ એક અત્યાધુનિક પેટ્રોલિંગ જહાજ છે. તે ’સમર્થ’ ક્લાસનું 5મું જહાજ છે.આ પ્રકારના લડાકુ જહાજ પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાંજ 4 જહાજ છે ગોવા શીપ યાર્ડ દ્વારા નિર્મિત આ જહાજ સંપૂર્ણપણે ’મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે, જે આધુનિક અને સ્વદેશી ઉપકરણોથી સજ્જ છે. જહાજ પર અત્યાધુનિક સીઆરએન-91 મુખ્ય આર્મમેન્ટ ગન ફિટ કરવામાં આવી છે, જે દુશ્મન કે શંકાસ્પદ ગતિવિધિઓ સામે લડવા સક્ષમ છે.આ જહાજ 105 મીટર લંબાઈ અને 13.6 મીટર પહોળાઈ ધરાવે છે તેમાં રડાર, સેન્સર અને આધુનિક નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમ સહિતની મશીનરી છે, જે ખરાબ હવામાનમાં પણ કાર્યક્ષમ રહે છે. જહાજ માં 18 અધિકારીઓ અને 108 જવાનો ફરજ બજાવી રહ્યા છે
