અમેરિકા અને ઇઝરાયેલ અમારા દેશને થયેલું ભયાનક નુકસાન ભરપાઇ કરે: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન
યુદ્ધ જીતી ગયાની ટ્રમ્પની જાહેરાત, 1 લાખ કરોડનો ખર્ચ બતાવ્યો
યુધ્ધ તો યુધ્ધની જગ્યાએ છે પરંતુ દુનિયાના નાના-મોટા તમામ દેશો પર અખાતી યુધ્ધનો ઘેરો પડછાયો પડતા વૈશ્વિક જનજીવનને વિવિધ પ્રકારે ગંભીર અસરો થવાની શરૂઆત થઇ છે અને વિશ્ર્વધારાના મુખ્ય ચાલકબળ સરીખા વ્યાપાર અને અર્થતંત્રના ધમધમતા વિરાટ ગતિમાન ચક્રોને પણ હવે અમેરિકા- ઇઝરાયેલે ઇરાન સામે આરંભેલા યુધ્ધનું આકરૂં ગ્રહણ લાગતા ચોતરફથી યુધ્ધને અટકાવવા માટેના વિવિધ વિકલ્પો પર વિચારણાઓ શરૂ થઇ છે જે આગળ જતા વાટાઘાટોમાં પરિણમવાની આશા છે. એ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિએ સ્વયંસ્પષ્ટ ત્રણ મુખ્ય શરતો જાહેર કરીને આ સંગ્રામને અટકાવવા માટે સ્વપક્ષની દરખાસ્ત જગતના ચોકમાં જાહેર કરી દેતા શાંતિની આશા વધુ સજીવન બની છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ જીતી લીધાની જાહેરાત કરી યુદ્ધમાં 1 લાખ કરોડનો ખર્ચ થયાનું જણાવ્યું હતું.
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર આ જંગની માઠી અસરો વચ્ચે ઈરાને પહેલીવાર યુદ્ધ વિરામ માટે પોતાની શરતો દુનિયા સામે મૂકી છે.
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને બે અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કયા સંજોગોમાં પાછળ હટશે. તેમણે જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સંતોષવામાં આવે તો જ તેહરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે. આ શરતોમાં ઇરાનના અધિકારોની સ્વીકૃતિ, યુધ્ધનું વળતર અને ભવિષ્ય માટેના અભય વચનનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને જણાવ્યું કે તેમણે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ આ મુદ્દે વાતચીત કરી છે. તેમણે આ સંઘર્ષ માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, “ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ આ લડાઈ શરૂૂ કરી છે. અમે વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેના માટે જવાબદાર દેશોએ જવાબદેહી સ્વીકારવી પડશે.”
આ યુદ્ધને કારણે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સર્જાયેલા તણાવથી ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો થયો છે. દરિયાઈ માર્ગે તેલ ટેન્કરોની અવરજવર ખોરવાતા વિશ્વભરમાં મોંઘવારી વધવાની આશંકા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલાથી શરૂૂ થયેલો આ સંઘર્ષ હવે તેહરાન દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલાના સ્વરૂૂપે જોર્ડન અને ઈરાક સુધી ફેલાયો છે.
ઈરાનની 3 મુખ્ય શરતો
1. વૈધ અધિકારોની માન્યતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે.
2. યુદ્ધનું વળતર (હરજાણું): જંગ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનની ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવે.
3. આંતરરાષ્ટ્રીય ગેરંટી: ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે.
