KG બેસિન મામલે જયરામ રમેશ-સંઘવી વચ્ચે જંગ

ક્રૂડ ઓઈલ, એલપીજી અને કુદરતી ગેસની આયાત પર ભારતની વધતી જતી નિર્ભરતા મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર…

ક્રૂડ ઓઈલ, એલપીજી અને કુદરતી ગેસની આયાત પર ભારતની વધતી જતી નિર્ભરતા મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જયરામ રમેશ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’’X’’ પર રાજકીય જંગ છેડાયો હતો.
જયરામ રમેશે કેન્દ્રની ઉર્જા નીતિની ટીકા કરતા જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલ પર ભારતની આયાત નિર્ભરતા 2014-15માં 84% હતી જે 2024-25માં વધીને 90% થઈ ગઈ છે, જ્યારે એલપીજી આયાત 46% થી વધીને 62% થઈ છે.

તેમણે કટાક્ષ કરતા લખ્યું હતું કે, “આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ’આત્મનિર્ભરતા’નો મંત્ર આપવામાં આવ્યો હતો. રમેશે 2005માં કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિનમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી) દ્વારા કરવામાં આવેલી ગેસની શોધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પ્રોજેક્ટ પાછળથી એક કૌભાંડમાં ફેરવાઈ ગયો હતો. તેમણે દાવો કર્યો કે ઓડિટ રિપોર્ટ્સમાં ભારત ઉર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનશે તેવી જાહેરાતો પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જયરામ રમેશના આક્ષેપોનો જવાબ આપતા હર્ષ સંઘવીએ તેમને આક્ષેપો કરતા પહેલા તથ્યો તપાસવાની સલાહ આપી હતી. સંઘવીએ વળતો પ્રહાર કરતા લખ્યું હતું કે તત્કાલીન ગુજરાતના ઈખ નરેન્દ્ર મોદીજીએ કેજી બેસિનમાં જીએસપીસી દ્વારા મોટી ગેસ શોધની જાહેરાત કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે તેમને કોણે ટેકો આપ્યો હતો? UPA સરકારના પેટ્રોલિયમ મંત્રી મણિશંકર અય્યરે! તેમણે કહ્યું હતું કે KG બેસિનની શોધ તેમના એ વિશ્વાસને મજબૂત કરે છે કે બંગાળની ખાડી દક્ષિણ એશિયાનો ’નોર્થ સી’ છે.”

હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે જીએસપીસીને તે બ્લોકનું માઇનિંગ લીઝ ડિસેમ્બર 2012માં UPA સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, મોદી સરકાર દ્વારા નહીં. તો પછી કોંગ્રેસ કોના પર કૌભાંડનો આરોપ લગાવી રહી છે? હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી કે આ શોધ દાયકાઓની સૌથી મોટી ગેસ શોધમાંની એક હતી, પરંતુ ઊંડા પાણીમાં સંશોધન દરમિયાન તકનીકી પડકારોને કારણે ઉત્પાદનમાં મુશ્કેલી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *