સાંજે મતગણતરી બાદ પરિણામ: વકીલ આલમમાં ભારે ઉત્સાહ
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના વન બાર વન વોટ મુજબના આશરે 3699 જેટલા વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને પોતાની પસંદગીના ઉમેદવારો ઉપર જીતનો કળશ ઢોળશે. આજે બપોરે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને મતગણતરી પત્યા બાદ સાંજે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છેરાજકોટ બાર એસોસિયેશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી ઉપર સૌરાષ્ટ્રભરના વકીલો સહિત રાજકીય અગ્રણીઓની પણ મીટ મંડાણી છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ત્રણેય પેનલના ઉમેદવારોએ બાર એસોસિએશનનો તાજ કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જામનગર રોડ સ્થિત નવી કોર્ટ ખાતે પ્રથમવાર રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂૂ થયું છે.
મતદાન મથક ઉપર મતદાર વકીલોની ઘસારો જોવા મળી રહી છે. કોર્ટ પરિસરમાં વકીલો બોહળી સંખ્યામાં ઉમટી પડતા ચૂંટણીનો માહોલ જામ્યો છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણેય પેનલ અને સ્વતંત્ર ઉમેદવારો મળી કુલ 51 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જેમાં વન બાર વન વોટ મુજબના આશરે 3699 જેટલા વકીલો મતદાન કરશે અને ત્રણ વાગ્યા સુધીમાં ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ઉમેદવારોના ભાવિ મત પેટીમાં કેદ થશે.
ત્રણ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. બાર એસોસિયેશનની ચૂંટણીને લઈને વન બાર વન ધરાવતા મતદાર વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ બાર એસોસિયસની ચૂંટણીના પરિણામ ઉપર સૌરાષ્ટ્ર ભરના વકીલો અને રાજકીય અગ્રણીઓની મીટ મંડાણી છે
