ભારતીય ક્રિકેટના આધુનિક દિગ્ગજ વિરાટ કોહલી મેદાન પર હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ અને એગ્રેશનને કારણે ક્રિકેટ જગતમાં એક ચર્ચા હંમેશા ચાલે છે- “શું વિરાટ કોહલી ઘમંડી છે?” આ સવાલનો જવાબ હવે તેના જૂના સાથીદાર અજીત રહાણેએ આપ્યો છે.
ક્રિકબઝ સાથેની ખાસ વાતચીતમાં રહાણેએ સ્પષ્ટ કર્યું હતું કે બહારના લોકો કોહલીના વર્તનને ગેરસમજ કરે છે. રહાણેએ કહ્યું, “વિરાટ વિશે ગમે તેટલી વાતો કરીએ તે ઓછી છે. મેં તેને ખૂબ નજીકથી જોયો છે. લોકો તેને ઘમંડી માને છે, પણ હકીકત એ નથી. તે માત્ર પોતાની રમતમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. તેની શીખવાની ધગશ અને ક્યારેય હાર ન માનવાનું વલણ તેને બીજા કરતા અલગ પાડે છે.” “મેં જોયું છે કે મેચના 2 દિવસ પહેલા તે એકદમ શાંત થઈ જાય છે. તે ખૂબ ઓછું બોલે છે, અને સાથી ખેલાડીઓ સાથે પણ સીમિત વાત કરે છે. તે કાનમાં એરપોડ્સ લગાવીને પોતાને ગમતું સંગીત સાંભળે છે અને પોતાનો એક અલગ ’ઝોન’ બનાવે છે. આ મૌન તેને મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.”
