ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવન પોતાના અંગત જીવનમાં એક નવી શરૂૂઆત કરવા જોઈ રહ્યો છે. છૂટાછેડા થયાના લાંબા સમય બાદ ધવને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરી લીધી છે. શિખરે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર સોફી સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરીને આ સત્તાવાર જાહેરાત કરી છે. શેર કરેલી તસવીરમાં સોફીના હાથમાં હીરાની મોટી અને સુંદર રિંગ જોવા મળી રહી છે. આ સાથે એક સુંદર ડેકોરેશન પણ જોવા મળી રહ્યું છે, જેમાં લાલ ગુલાબ અને મિણબત્તીથી સજાવેલું મોટું દિલ છે.
શિખર ધવને સોફી સાથેનો તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ’સાથે હસવાથી લઈને સાથે સપના જોવા સુધી. આપણી સગાઈ માટે પ્રેમ, આશીર્વાદ અને દરેક શુભકામનાઓ માટે આભારી છીએ. હવે અમે હંમેશા માટે એકબીજાનો સાથ પસંદ કરીએ છીએ. – શિખર અને સોફી.’ આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ અભિનંદન પાઠવી રહ્યા છે.
તસવીરમાં શિખર અને સોફી બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફી શાઈન અને શિખર ધવન છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોફી ઘણીવાર શિખર સાથે જોવા મળતી હતી, પરંતુ બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. સોફી વિશે વધુ વિગતો હજુ સામે આવી નથી, પરંતુ તે આઇરિશ હોવાનું માનવામાં આવે છે. શિખર અને સોફી 2026ના મધ્યમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, હજુ સુધી ધવન પરિવાર તરફથી લગ્નની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
