પ્રાચીન શિલ્પો દિવાલમાં ચણી દેવાયા!! વિવિધ નિયમોનાં ભંગ મુદ્દે પુરાતત્વ વિભાગ તથા સંબંધિત તંત્રને રજૂઆત
જામનગરનાં ભુજીયા કોઠાનું ગત સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ- લોકાપર્ણ કર્યા પછી ગત 19 માર્ચનાં તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો 25 કરોડ જેટલા ખર્ચ અને 4 વર્ષથી વધુ ચાલેલા રેસ્ટોરેશન પછી તૈયાર થયેલ ભુજીયા કોઠાનાં રેસ્ટોરેશનમાં પુરાતત્વ વિભાગનાં નિયમોનો ભંગ થયો હોવાનું ચિત્ર ઉપસતા તથા આ અંગે તજજ્ઞ દ્વારા પુરાતત્વ વિભાગ સહિત સંબંધિત તંત્રને રજૂઆત કરાવામાં આવતા ખળભળાટ થયો છે અને સમગ્ર પ્રોજેક્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભો થયો છે.
તાજેતરમાં લોકો માટે ખુલ્લા મૂકાયેલ ઐતિહાસિક ઇમારત રક્ષિત સ્મારક ભુજીયા કોઠામાં કથિત રીતે પુરાતત્વ વિભાગનાં નિયમોનો ભંગ થયો હોવાની વાત પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાચીન શિલ્પોની અવદશા સહિતનાં મુદ્દે આ મુદ્દે જામનગરનાં વતની તથા વડોદરામાં સ્થાયી થયેલ ખ્યાતનામ પ્રોફેશ્નલ આર્ટીસ્ટ તથા શિલ્પકાર હિમાંશુ જોશી દ્વારા પુરાતત્વ વિભાગ સહિત ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે હિમાંશુ જોશી નગરનાં સાહિત્યકાર- ઇતિહાસકાર હરકિસન જોશીનાં પુત્ર છે તથા તેમણે ભૂકંપ પછી પરવાનગી મેળવી ભુજીયા કોઠાની અંદર પ્રવેશી ઐતિહાસિક ઇમારત તથા સંલગ્ન પ્રાચીન શિલ્પો અને અન્ય અવશેષોની તસ્વીરો લીધી હતી. તેઓ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે એ અંગેની મુખ્ય બાબતો અહી પ્રસ્તુત છે.
ભુજીયા કોઠામાં સીડીઓ ચડ્યા પછી વર્તુળાકાર ગેલેરી આવે છે જેમાં ફરતે પ્રાચીન શિલ્પો આવેલા છે. આ શિલ્પોને જેમનાં તેમ છોડી દેવામાં આવ્યા છે તો શું આ શિલ્પો રક્ષિત સ્મારક નો ભાગ નથી? આ શિલ્પોને જર્જરીત જ છોડી દેવાથી પત્થરમાં ભેજ ઉતરવાની અને લાંબા ગાળે અમૂલ્ય વારસાને નુકસાન પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત અમુક શિલ્પોને આંશિક રીતે દિવાલમાં ચણી લેવામાં આવ્યા છે! (encapsulation). રક્ષિત સ્મારક માં આ રીતે પ્રાચીન શિલ્પોને દિવાલમાં ચણી દેવા એ તો સ્પષ્ટરૂૂપે ઉડીને આંખે વળગે એવી ગંભીર ક્ષતિ કહી શકાય. આ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
ભુજીયો કોઠો તેનાં વિશિષ્ટ પત્થર અને અને ખરબચડા ટેક્ચર માટે જાણીતો હતો જે 400 વર્ષનો ઈતિહાસનાં પ્રતિક સમાન હતો. રેસ્ટોરેશનમાં ઇમારતનાં અસલી પત્થરો ને છુપાવી તેનાં પર આધુનિક ‘બ્રિક સ્ટાઇલ પેટર્ન’ (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે.કાયદાકીય રીતે સંરક્ષિત સ્મારકની મૂળ બાહ્ય સપાટી (elevation)માં ફેરફાર કરવો એ ગેરકાયદેસર છે. આ ફેરફાર સ્મારકને ઐતિહાસિક ઇમારત મટાડીને એક આધુનિક ’થીમ પાર્ક’ જેવો દેખાવ આપે છે. ભુજીયા કોઠામાં અંદર એક જગ્યાએ પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું છે. તે જામનગરની કે ભારતની કલાશૈલી સાથે સંબંધ ધરાવતું નથી. આ એક આધુનિક ડિજીટલ ગ્રાફિક (vector art) છે જે પૂર્વ એશિયન (ચાઈનીઝ) કલાથી પ્રભાવિત છે. પ્રાચીન ભારતીય ‘વ્યાલ’ કે ‘ગજ-સિંહ’ શૈલીને બદલે આવી આધુનિક અને વિદેશી શૈલીનાં ચિત્રો દોરવા એ ઇતિહાસનું ખોટું નિરૂપણ (fabrication of history) છે.
સ્થાનિક સત્તાધીશો દ્વારા ભુજીયા કોઠા અને લાખોટા કોઠા વચ્ચે નવો બ્રીજ બનાવવાની યોજના છે તે કાયદાકીય રીતે અશક્ય જણાય છે.પુરાતત્વીય નિયમો મુજબ રક્ષિત સ્મારકની 100 મીટરની ત્રિજ્યા(prohibited zone) માં કોઈપણ બાંધકામ કરી શકાતું નથી. આવા બાંધકામથી પ્રાચીન પાયાને નુકસાન થઇ શકે છે અને સ્મારકનો મૂળ દેખાવ કાયમી ધોરણે બગડી શકે છે. પુરાતત્વીય નિયમો મુજબ રેસ્ટોરેશન નો અર્થ ‘જેવું હતુ તેવું જાળવવું’ થાય છે,નહી કે તેને નવું બનાવવું. જામગનરનાં ભુજીયા કોઠામાં સૌદર્યનાં નામે ઇતિહાસનાં મૂળ પુરાવાઓ અને શિલ્પોની અવગણના કરવામાં આવી છે. આ મામલે યોગ્ય ઉચ્ચ સ્તરીય તપાસ કરી અને કલા ઇતિહાસકારોની સલાહ લેવી અનિવાર્ય છે જેથી આપણા વારસાને કાયમી નુકસાન થતું અટકાવી શકાય.
