જેતપુર સિટી પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર વકરતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. એમ. જી. રોડ, સ્ટેન્ડ ચોક, અમરનગર રોડ અને જૂનાગઢ રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અડચણરૂૂપ વાહનો સામે પોલીસે કડક પગલાં લીધા છે.
આ કાર્યવાહી અંતર્ગત, ’નો-પાર્કિંગ’ ઝોનમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનોને સ્થળ પર જ વ્હીકલ લોક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અનેક વાહનોને મોટર વાહન અધિનિયમ (M.V. Act) ની વિવિધ કલમો હેઠળ ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે માત્ર વાહનો જ નહીં, પરંતુ જાહેર માર્ગો પર અડિંગો જમાવીને ટ્રાફિક પ્રવાહને અવરોધતી લારીઓ સામે પણ સપાટો બોલાવ્યો છે. રસ્તો રોકનારા લારીધારકો સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમો હેઠળ ગુના નોંધીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેતપુર સિટી પોલીસે જાહેર જનતાને કડક ચેતવણી આપી છે કે, પોતાના વાહનો જાહેર માર્ગ પર અડચણરૂૂપ રીતે પાર્ક ન કરે. અન્યથા, તેમને પોલીસની આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. શહેરમાં શિસ્ત જાળવવા માટે નાગરિકોને ફરજિયાતપણે નિર્ધારિત પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
