સારવાર દરમિયાન હાર્ટએટેક આવી ગયો
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું છે. અમેરિકામાં સ્કીઇંગ અકસ્માતમાં અગ્નિવેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા અને બધું બરાબર લાગતું હતું. જોકે, તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, ’આ તેમના જીવનનો સૌથી કાળો દિવસ છે.’
અનિલ અગ્રવાલે જણાવ્યું કે, તેમના પુત્ર અગ્નિવેશનો જન્મ 3 જૂન 1976ના રોજ પટનામાં થયો હતો. તેમણે અજમેરના મેયો કોલેજથી અભ્યાસ કર્યો અને એક સફળ કરિયર બનાવ્યું. અગ્નિવેશે ફુજૈરાહ ગોલ્ડની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી અને હિન્દુસ્તાન ઝિંકના ચેરમેન પણ રહ્યા. તેમણે પોતાના પુત્રને એક ખેલાડી, સંગીતકાર અને લીડર ગણાવ્યો, જે પોતાના ઉત્સાહ, વિનમ્રતા અને દયાળુ સ્વભાવથી જાણીતા હતા.
