સુપ્રીમ કોર્ટે વન્યજીવ બચાવ પુનર્વસન અને સંરક્ષણ સંબંધિત મામલે વનતારા વિરુદ્ધ દાખલ કરાયેલી નવી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે જે આરોપોને ફરીથી ઉઠાવવાનો પ્રાયસ કરવામાં આવ્યો છે, તે પહેલાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર તપાસના દાયરામાં આવી ગયા છે અને તેના ઉપર અંતિમ સ્વરુપે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.
ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે SIT દ્વારા પહેલાથી જ તપાસ કરાયેલા અને જેના પર કોર્ટે અગાઉ ચુકાદો આપ્યો છે તેવા કેસને વારંવાર ફરીથી ખોલી શકાતી નથી. કોર્ટે વનતારા વિરુદ્ધ તપાસ, જપ્તી અથવા કાર્યવાહીની માંગણીઓને ફગાવી દીધી છે.
કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે યુએઈ, વેનેઝુએલા, બ્રાઝિલ, ચેક રિપબ્લિક, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશો સાથે સંકળાયેલા પ્રાણીઓના ટ્રાન્સફર માન્ય દસ્તાવેજો, CITES પરમિટ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરીઓના આધારે કરવામાં આવ્યા હતા. કોર્ટે આ ટ્રાન્સફરને બિન-વાણિજ્યિક અને કડક રીતે “ઝૂ-ટુ-ઝૂ” ટ્રાન્સફર તરીકે વર્ણવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે જામનગરમાં વનતારાના કાર્યના મહત્વને પણ સ્વીકાર્યું હતું. આદેશમાં ખાસ કરીને લુપ્તપ્રાય મકાઉ પક્ષીઓ માટે સંરક્ષણ અને સંવર્ધન કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
