વેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટાર

વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા…

વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. એક મોટર સાયકલ ચાલકે આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ બે સિંહણ અને બે બાળ સિંહો મુખ્ય માર્ગ પર બિન્દાસ દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સાંઈબાબા મંદિર પાછળનો આ વિસ્તાર ગીચ રહેણાંક ધરાવે છે.

રાત્રિના સમયે અચાનક સિદ્ધો દેખાતા સ્થાનિક રહીશો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ ઘરની છત અને બારણામાંથી સિંહોની હલચલ નિહાળી હતી, જ્યારે અન્યોએ તરત જ વનવિભાગને જાણ કરી હતી. સદનસીબે કોઈ માનવ જીવ સાથે ઘર્ષણની ઘટના સામે આવી નથી. શહેરની અંદર સિંહોનું વારંવાર આગમન હવે ચિંતાનો વિષય બની રહ્યું છે.

વનવિભાગના સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા વધવા અને તેમના વિસ્તરણ ક્ષેત્રમાં વધારો થવાને કારણે તેઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે તેઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને નજીકના ગામો અને શહેરોની સીમાઓ સુધી આવી પહોંચે છે. વેરાવળ શહેર ગીર જંગલ વિસ્તારમાંથી બહુ દૂર નથી, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર નોંધાઈ રહી છે.

આ અંગે ની જાણ થતા વન વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રહીશોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકોને બહાર ન મોકલવા અને કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *