ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી પથ્થરમારાની ઘટના સામે આવી છે. માત્ર 10 દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવતા મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. સુરત નજીક સચિન નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, મંગળવારે 17 નવેમ્બરના રોજ સાંજે આશરે 5 વાગ્યાને 23 મિનિટે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ સુરતથી નવસારી તરફ જઈ રહી હતી. તે દરમિયાન સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સ દ્વારા ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પથ્થર ટ્રેનના C-4 કોચની બારી સાથે અથડાતાં બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે અંદરનો કાચ સુરક્ષિત રહેતા કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી. પરંતુ અચાનક બનેલી આ ઘટનાથી કોચમાં બેઠેલા મુસાફરોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ RPF અને રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ મામલે સચિન પોલીસ સ્ટેશન અને RPFમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરત અને આસપાસના રેલવે ટ્રેક પર અગાઉ પણ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે માત્ર 10 દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવતાં રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
