અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે જેને તેમણે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ ગણાવી છે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે આ સમજૂતી હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સને વેનેઝુએલાના 65 અબજ બેરલથી વધુના સાબિત થયેલા તેલના ભંડાર પર બહુમતી નિયંત્રણ મળશે. આ સાથે યુએસ વિદેશ મંત્રી માર્કો રૂૂબિયોએ જણાવ્યું હતું કે આ કરારથી વેનેઝુએલામાં લગભગ 100 અબજનો ખાનગી રોકાણ આવી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ડીલ વિશે માહિતી આપતાં ટ્રમ્પે લખ્યું કે આ કરાર અમેરિકન કરદાતાઓ પર કોઈ પણ પ્રકારનો નાણાકીય બોજ નાખ્યા વિના થયો છે. આનાથી અમેરિકાના તેલના ભંડાર બમણાથી પણ વધુ થઈ જશે, તેલનો પુરવઠો વધશે અને દેશમાં પેટ્રોલિયમના ભાવ ઘટાડવામાં મદદ મળશે.
ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો અને યુએસ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્યુઝ સાથે મળીને ખાનગી વ્યવસાયોની ભાગીદારી દ્વારા આ ડીલને આખરી ઓપ આપ્યો છે.
વિદેશ મંત્રી માર્કો રૂૂબિયોએ આ ડીલના ફાયદા જણાવતાં કહ્યું કે આ પગલાથી માત્ર તેલ ક્ષેત્રે જ નહીં, પરંતુ સમગ્ર વેનેઝુએલાના અર્થતંત્રના પુન:નિર્માણમાં મદદ મળશે.100 અબજના ખાનગી રોકાણથી સ્થાનિક સ્તરે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે.
વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો સાબિત થયેલો કાચા તેલનો ભંડાર છે, જે લગભગ 300 અબજ બેરલ જેટલો અંદાજવામાં આવે છે.વૈશ્વિક ઉર્જા બજારમાં સતત થઈ રહેલા ફેરફારો વચ્ચે ટ્રમ્પ લાંબા સમયથી વેનેઝુએલાના તેલ ક્ષેત્ર સુધી અમેરિકી કંપનીઓની પહોંચ વધારવા માટે પ્રયત્નશીલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોશિંગ્ટન અને કારાકાસ વચ્ચે વેનેઝુએલાના 12 જેટલા ઓઇલ ફિલ્ડ્સ અંગે ચર્ચા ચાલી રહી હતી, જેમાં 90 અબજ બેરલ જેટલો તેલનો જથ્થો સમાયેલો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, અમેરિકન કંપનીઓ સહિત ખાનગી કંપનીઓ તેલ ક્ષેત્રોનો વિકાસ કરશે, જ્યારે તેલની આવકમાંથી મોટો હિસ્સો વેનેઝુએલાને મળશે.
