જસદણના વડોદમાં બોર્ડ હટાવવા મુદ્દે હોબાળો તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ, 4 સામે ફરિયાદ

અમરેલીના નામચીન વસંત ચાવડાએ ફોનમાં ધમકી આપી, આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ જસદણ તાલુકાના વડોદ ગામમાં સરકારી તંત્ર દ્વારા કાયદેસરની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની…

અમરેલીના નામચીન વસંત ચાવડાએ ફોનમાં ધમકી આપી, આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ

જસદણ તાલુકાના વડોદ ગામમાં સરકારી તંત્ર દ્વારા કાયદેસરની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંગણવાડીની પ્લે-ગ્રાઉન્ડની જમીન પરથી ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલું બોર્ડ હટાવવાની પ્રક્રિયા દરમિયાન, સ્થાનિક દલિત સમાજના આગેવાનો અને સરકારી કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી જેમાં તલાટી મંત્રી ઉપર હુમલાનો પ્રયાસ કરી ફરજમાં ગંભીર અવરોધ ઊભો કર્યો હતો. આ મામલે પોલીસે ફરજમાં રૂૂકાવટનો ગુનો નોંધ્યો હતો જયારે આ મામલે એક આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ વડોદ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી મહેશભાઈ આંબાભાઈ કુકડીયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રમેશભાઈ હમીરભાઈ ચાવડા , પ્રવિણભાઈ માલાભાઈ ચાવડા, રમેશભાઈ અને અમરેલીના વસંતભાઈ ચાવડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વડોદ ગામમાં નવી આંગણવાડી પાસે આવેલી ગ્રામ પંચાયતની માલિકીની ખુલ્લી જમીન પર ગત 13 એપ્રિલ 2026ના રોજ પંચાયતની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ડો. બાબાસાહેબ આંબેડકરનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું. આ અંગે પંચાયત તંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયા હાથ ધરીને ગત 8 મે, 15 મે અને 22 મે 2026ના રોજ એમ કુલ ત્રણ વખત જાહેર નોટિસ ચિપકાવીને આ દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા સમજાવટ કરવામાં આવી હતી. તદુપરાંત, પંચાયત દ્વારા અન્ય ચાર વૈકલ્પિક જગ્યાઓ પણ સૂચવવામાં આવી હતી, પરંતુ આરોપીઓ દ્વારા વહીવટી આદેશોની સતત અવજ્ઞા કરવામાં આવી હતી.

ગઈકાલે 29 મે 2026ના રોજ સવારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એ.ટી.ડી.ઓ. આર.આર. જાંબુકિયા, નાયબ મામલતદાર સી.એમ. ગોહિલ અને પોલીસ કાફલાની સંયુક્ત હાજરીમાં આ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી રમેશભાઈ હમીરભાઈ ચાવડા, પ્રવિણભાઈ માલાભાઈ ચાવડા અને રમેશભાઈ આણંદપરવાળાએ પચ્ચીસથી પાંત્રીસ સ્ત્રી-પુરુષોના ટોળાને ઉશ્કેરીને પ્રશાસનની કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

વહીવટી ગતિરોધ વચ્ચે, મુખ્ય આરોપી રમેશભાઈ ચાવડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને આરોપીને જસદણની સરકારી અને બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અફરાતફરી દરમિયાન અન્ય એક આરોપી અમરેલીના નામચીન વસંતભાઈ ચાવડાએ ફોન પર સ્પીકર ઓન રાખીને સરકારી કર્મચારીઓને ગંભીર પરિણામો ભોગવવાની અને ખોટી એટ્રોસિટીની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પંચાયતના તલાટીના જણાવ્યા મુજબ, નાના બાળકોના રમતગમતના મેદાન માટે ફાળવાયેલી જમીન પર ઈરાદાપૂર્વક ગામનું વાતાવરણ ડહોળવાના હેતુથી આ કૃત્ય આચરવામાં આવ્યું છે. જસદણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *