પાલિકા-પંચાયતોમાં ભાજપના લિસ્ટ બહાર પડ્યા બાદ ઠેર-ઠેર અસંતોષનો જ્વાળામુખી, અનેક કાર્યકરોએ પાર્ટીને કર્યા રામરામ
કોંગ્રેસે ગુપચુપ યાદી બહાર પાડી છતાં બઘડાટી, અનેક બેઠકો ઉપર બળવાના બ્યુગલ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોના કુલ 10005 બેઠકો ઉપર ઉમેદવારીપત્રકો ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ-આપ- બસપા સહીતના રાજકીય પક્ષો, અપક્ષો અને બળવાખોરોએ ઉમેદવારીપત્રકો ભરવા ભારે ધસારો કર્યો હતો. આગામી તા.26ના રોજ યોજાનાર ચુંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ- કોંગ્રેસ સહીતના પક્ષોમાં આંતરીક અસંતોષ ફાટી નિકળ્યો છે અને અનેક બેઠકો ઉપર બળવા થયા છે.
ભાજપની પાલિકા- પંચાયતોના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જબરો અસંતોષ બહાર આવ્યો છે તો કોંગ્રેસે ચુપચાપ યાદી બહાર પાડી હોવા છતાં બઘડાટી બોલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયો ઉપર વાતાવરણ ભારે ગરમ જોવા મળે છે.
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં નગરપાલિકા અને મહાપાલિકામાં ઉમેદવારોની પસંદગીમાં શિસ્ત માટે વખણાતા ભાજપે આ વખતે પહેલીવાર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં ભારે અરાજકતા અને વિરોધ વંટોળનો સામનો કરવાનો આવ્યો છે, જે દર્શાવે છે કે ભાજપના નિર્ણાયકોને આ વખતે પસંદગીની પ્રક્રીયા તથા ઉમેદવારો (જુના-નવા)ના મુલ્યાંકન માટેનો પુરતો સમય મળ્યો નથી, એને કારણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અંદાજે અરધાથી વધુ ઉમેદવારો જે તે વોર્ડના કાર્યકરોમાં ‘અસ્વીકૃત’ નીવડયા છે અને ખરા દાવેદારોએ પોતાના સમર્થકો સાથે ગઇકાલે રાતભર ભાજપના સ્થાનિક વડા, શહેર પ્રમુખ તથા અન્ય દિગ્ગજો સમક્ષ દેકારા સાથે રજુઆતો કરી છે.
સમાંતર રીતે ટિકિટ નથી મળી તેવા ભાજપના વજુદ ધરાવતા ઉમેદવારો માટે કોંગ્રેસે રાતોરાત લાલ જાજમ બિઠાવી દેતા તેને આજ સુધી વફાદાર હતા તે ભાજપને અનેક લોકોેએ રાતોરાત છોડી દીધી છે.
એ તો જાણીતી વાત છે કે ભાજપે કાર્યકરોને બહુ લાડ લડાવતા અને છે કે પેજ પ્રમુખ સુધીની કેડર ઉભી કરતાં હવે દરેક કાર્યકર પોતાને કમ સે કમ પોતાના વોર્ડનો કદાવર નેતા માનવા લાગ્યો છે, એને કારણે એનો દાવેદાદરીનો અવાજ પણ ઉંચો થઇ ગયો હોવાનું આ વખતની ટિકિટ મહામારીમાં જોવા મળ્યું છે. એની સામે ભાજપે આગંતુકો માટે સ્વાગતના પુષ્પગુચ્છોનો ઢગલો કરી રાખ્યો છે. ખેડુત નેતા રાજુ કરપડાને 24 કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી-2 બેઠક માટે ટિકિટ ફાળવી દેવામાં આવી છે.
એ જ રીતે વડદોરા મહાનગરપાલિકામાં માત્ર દસ ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે. કુલ 76 બેઠકોમાંથી 66 કોર્પોરેટરોને તેમના પંચવાર્ષિક ઇતિહાસને આધારે પક્ષે પોતે જ ચોકડી મારી દીધી છે.
દાહોદ નગરપાલિકામાં ભાજપે આ દુ:સાહસની પરંપરા જાળવી રાખીને એક સાથે તમામ જુના જોગીઓ પડતા મુકી દેતા ગઇકાલે રાતભર દાહોદનું રાજકીય ઉષ્ણતામાન ઉંચે જતું રહ્યું હતું. દાહોદના પાંચ વજનદાર કોર્પોરેટરોને કોંગ્રેસે તુરત જ કંકોત્રી લખી પોતાની પડખે તેડાવી લેતા હવે તે પાંચ કોંગ્રેસ તરફથી ભાજપ સામે ચુંટણી લડશે. ઓછાવત્તા અંશે આ સ્થિતિ રાજયના અનેક સ્વરાજય સંસ્થાઓમાં ઉભી થઇ છે.
ભાવનગરમાં તો ભાજપના પૂર્વ મેયર ભરત બારડને કાર્યાલયમાંથી બહાર ધકેલતો વીડીયો વાયરલ થયો છે. છેલ્લી ઘડીના ખેલમાં ફોમ ભરવામાં ભુલચુક બહુ ભારે ન પડે એ માટે કેટલાક કમલમ કાર્યાલયાં પાલિકાઓના ફોર્મ નિષ્ણાંત કર્મચારીઓને જ કમલમ પર બોલાવી તેમની જ પાસે ફોર્મના ખાના ભરાવવામાં આવ્યા હતા. જો કે સરકારી કર્મચારીઓને સ્વપક્ષની સેવામાં લડાવવાનું ભાજપનું આ કૃત્ય કંઇ નવી નવાઇનું નથી.
વડોદરામાં હજુ ઉકળતો ચરૂ દેખાય છે. રાજ્યમાં નો-રિપીટ થિયરીનો સૌથી કડક અમલ અહીં થઇ રહેલો જોવા મળે છે. અહીં ભાજપે વર્તમાન મેયર પિન્કી સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને જ ઉડાડી દીધા છે, જેથી સન્નાટો મચી ગયો છે. અહીં સ્થાયી સમિતિ અધ્યક્ષ અને દંડકનો પણ પક્ષે ઘા કરી દીધો છે.
નીતિન પટેલના ટેકેદાર રાકેશ શાહના પત્ની કોંગ્રેસમાંથી લડશે
મહેસાણા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપને મોટો ફટકો પડ્યો છે. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચુસ્ત ટેકેદાર ગણાતા રાકેશ રાજેન્દ્રભાઈ શાહ (પેપ્સી) એ ભાજપને તિલાંજલિ આપી છે. તેમના આ નિર્ણયથી મહેસાણા ભાજપના સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાકેશ શાહે માત્ર પક્ષ જ નથી છોડ્યો, પરંતુ તેમની પત્ની રાધિકા શાહને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં હવે રાજકીય સમીકરણો બદલાયા છે. રાકેશ શાહે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ સાથે મજબૂત પેનલ બનાવી છે અને કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. નીતિન પટેલના અત્યંત નજીકના ગણાતા કાર્યકરે છેલ્લી ઘડીએ પક્ષ પલટો કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રાકેશ શાહના પત્ની આજે વિધિવત રીતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના શાસન સામે જૂના કાર્યકરોમાં રહેલો અસંતોષ હવે સપાટી પર આવ્યો હોય તેમ જણાય છે, જે આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
