ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ચાલી નીકળ્યા: વાતાવરણમાં ઠંડક પ્રસરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે જુદા જુદા તાલુકાઓમાં ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં અઢી ઈંચ (67 મી.મી.), દ્વારકા તાલુકામાં બે ઈંચ (50 મી.મી.), ભાણવડ તાલુકામાં પોણા બે ઈંચ (44 મી.મી.) અને ખંભાળિયામાં એક ઈંચ (24 મી.મી.) વરસાદ છેલ્લા 24 કલાકનો નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના સલાયા પટ્ટીના ગામો બારા, પરોડીયા તેમજ સલાયામાં સોમવારે નોંધપાત્ર વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. ગઈકાલે જિલ્લામાં સાર્વત્રિક અને મોસમના પહેલા વરસાદથી નગરજનો ખુશખુશાલ થયા હતા અને અબાલ-વૃદ્ધ સૌ કોઈએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી.
ખંભાળિયા સહિત જિલ્લામાં સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જો કે ગત સાંજે જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનો હાલાકીમાં મુકાયા હતા. પ્રથમ વરસાદના પગલે વરસાદી જીવાતથી લોકો ત્રસ્ત બન્યા હતા.
જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. ખેતરો માટે કાચા સોના જેવા આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આજે મંગળવારે પણ હળવા અમી છાંટણા સાથે વરસાદી માહોલ બરકરાર રહ્યો છે અને વધુ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
