માંગરોળમાં ભાણી સાથે વાત કરતાં યુવકને મામાએ કારથી કચડવાનો કર્યો પ્રયાસ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જૂની અદાવતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અકસ્માતનો દેખાવ કરી બે બાઇક સવારોને કાર વડે કચડી નાખીને જાનથી મારી…

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જૂની અદાવતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અકસ્માતનો દેખાવ કરી બે બાઇક સવારોને કાર વડે કચડી નાખીને જાનથી મારી નાખવાનો પૂર્વ આયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. માંગરોળ કામનાથ રોડ પર નેશનલ એગ્રો એજન્સીની સામે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.

આ ચકચારી ઘટના અંગે માહિતી આપતા એએસપી (ASP) રોહિત ડગરે જણાવ્યું હતું કે, 10 જૂનના રોજ પોલીસને માંગરોળ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત અંગે માહિતી મળી હતી. માંગરોળ કામનાથ રોડ પર નેશનલ એગ્રો એજન્સીની સામે એક ખૂબ જ તેજ ગતિથી આવી રહેલી કારે બે બાઇક સવારોને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. કાર ચાલક ટક્કર મારીને જ અટક્યો ન હતો, પરંતુ બાઇક સવારોને ગાડી નીચે થોડે અંતર સુધી ઢસડ્યા પણ હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્યાંથી આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ભયાનક હુમલા પાછળના કારણો તપાસતા પોલીસને જાણવા મળ્યું છે કે, આ ગુનાના આરોપીઓની એક સબંધી (ભાણી) સાથે ભોગ બનનાર યુવકની વાતચીત થતી હતી.

આરોપીઓ યુવતીના મામા થતા હોવાથી તેમણે ભોગ બનનાર યુવકને ભૂતકાળમાં પણ ધમકી આપી હતી કે તે તેમની ભાણી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે વાતચીત ન રાખે. આ તાકીદ છતાં ભોગ બનનારે વાતચીત ચાલુ રાખી હતી, જેના કારણે ઉશ્કેરાયેલા મામાઓએ મનમાં અદાવત રાખીને તેને જાનથી મારી નાખવા માટે આ આખો ખૌફનાક ખેલ રચ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ માંગરોળ બંદર ઝાપા ઢોલી ફળીયા ખાતે રહેતા 25 વર્ષીય ઉવેશ અયુબ ભાઇ કાપા ઘાચીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *