શહેરના ત્રિકોણબાગ નજીક ખાનગી બસની ઠોકરે ચડી જતા બાઇક ચાલક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બિછાને તેનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતી પરામાં આવેલી બોરીચા સોસાયટીમાં શેરી નં.4માં રહેતો અને ગરેડીયા કુવા રોડ પર હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતો આદમ મહમ્મદ ભાઇ અનસારી (ઉ.વ.19)નામનો યુવાન ગત તા.19/8ના સવારે બાઇક લઇ દુકાના કામ અર્થે માલ લેવા ગયો હતો. જયાથી માલ લઇ પરત દુકાને આવતો હતો. ત્યારે ત્રિકોણબાગ ચોક પાસે પહોંચતા ખાનગી બસના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આદમને ગંભીર ઇજા થતાં સારવાર માટે પ્રથમ સિવિલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત ન નીવડા આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ હોવાનુ જાણવા મળ્યુ છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે અસ્માત સર્જનાર બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
