રાજસ્થાનથી સામાન ભરી ગાંધીધામ જઈ રહેલા મામા ભાણેજનું છોટાહાથી સામખયાળી નજીક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મામાનું ઘટના સ્થળે અને ભાણેજનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાનના બિયાવટ ગામે રહેતા નોરતસિંગ ઓમસિંગ (ઉ.વ.46) અને તેનો ભાણેજ ચંદ્રસિંહ રાજુસિંહ રાવત (ઉ.વ.20) છોટા હાથી લઈને ગાંધીધામ જઈ રહ્યા હતા ત્યારે સામખીયાળી પાસે ગાંગાદેરા ગામ પાસે પહોંચતા આગળ જતા અજાણ્યા વાહન પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નોરતસિંગનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રસિંહ રાવતને તાત્કાલિક સારવાર માટે સામખયાળી અને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ ત્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નોરતસિંગ બે ભાઈ એક બહેનના મોટા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે જ્યારે ચંદ્રસિંહ રાવત ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો. મામા ભાણેજ રાજસ્થાનથી સામાન ભરીને ગાંધીધામ જતા હતા ત્યારે મામા ભાણેજને રસ્તામાં જ કાળ ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંગોદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.