કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ, આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે રાત્રિના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ફુટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર નજીકથી પોલીસને શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બે પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાને કરવામાં આવતા આને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને વધુ તપાસ આરંભી હતી. જેમાં આગળ જતા આ પ્રકારના વધુ બે પેકેટ મળી આવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસને હાથ લાગેલા આ ચાર પેકેટમાં ઉર્દુ તેમજ અંગ્રેજી ભાષામાં કેટલું લખાણ લખેલું હતું. આ પેકેટને ખોલીને જોતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું જાહેર થયું હતું. જેથી પોલીસે આગળની પ્રક્રિયા કરતા આશરે 4.548 કિલોગ્રામ જેટલા આ ચરસની બજાર કિંમત રૂૂ. 2,27,40,000 હોવાનું જાહેર થયું છે. આમ, બિનવારસુ હાલતમાં મળી આવેલા રૂૂપિયા 2.27 કરોડથી વધુની કિંમતના સાડા ચાર કિલોગ્રામથી વધુના ચરસના આ જથ્થાને પોલીસે કબજે લઈ, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી, પકડાઈ જવાના ડરથી કે કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે બિનવારસુ હાલતમાં છોડી દીધા હોવાનું સ્થાનિક એ.એસ.આઈ. વજશીભાઈ કારૂૂભાઈ પોસ્તરીયાની ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. એન.એન. વાળા તથા તેમની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *