ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે માછીમારી બોટોને અનધિકૃત રીતે લાઈટ ડીઝલ ઓઈલ (એલ.ડી.ઓ.) નું વેચાણ થતું એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ, આ પ્રકરણમાં 900 લીટર એલ.ડી.ઓ. અને એક વાહન સહિત કુલ રૂૂ. 10.13 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પુરવઠા વિભાગની ટીમ પણ સાથે રહી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લામાં જ્વલનશીલ પેટ્રોલિયમ જથ્થાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે, પેટ્રોલિયમ જથ્થાની હેરાફેરી અને સંગ્રહ કરનાર શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને એસ.ઓ.જી. પોલીસ દ્વારા ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયામાં એક મહિન્દ્રા પીક-અપ વાન જેવા વાહનને મોડીફાઇ કરી, અને તેમાં ડીઝલનો ટાંકો તૈયાર કરી અને આ ટાંકામાં લાઈટ ડીઝલ ઓઈલ (એલ.ડી.ઓ.)ની જુદાજુદા સ્થળોએ ડિલિવરી આપવામાં આવતી હોય, આ અંગે એસ.ઓ.જી. ની ટીમે જિલ્લા પુરવઠા અધિકારી કે.બી. સોલંકીની ટીમને સાથે રાખીને સલાયાના બંદર ખાતે દરોડાની કાર્યવાહી કરાઈ હતી.
જેમાં ડ્રાઇવર કેબીનની પાછળ ધાતુનો ટાંકો ફિટ કરેલું જી.જે. 37 ટી. 1884 નંબરનું મહિન્દ્રા પીક-અપ વાન કબજે કરવામાં આવ્યું હતું. જેમાં વાહનના ચાલક દીલુભા નટુભા ગોહિલ (ઉ.વ. 42, રહે. જામનગર) ની પૂછપરછ કરતા ટાંકામાં રહેલું આ એલ.ડી.ઓ. તેણે જામનગરના જીઆઈડીસી વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ ખાતેથી ભર્યું હતું. અહીંથી તેમને 2400 લીટર પ્રવાહી ભરી, અને સલાયામાં જુદા જુદા ત્રણ માછીમારોને 500-500 લીટરનું વેચાણ કર્યું હતું અને ટાંકામાં બાકીનું 900 લીટર એલ.ડી.ઓ. હોવાનું જણાવ્યું હતું. જે તેણે જામનગરના કનસુમરા વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ ખાતેથી ઋતુરાજસિંહ તખતસિંહ જાડેજા (રહે. જામનગર)ની સૂચનાથી ભરીને સલાયા બંદર ખાતે ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની કબુલાત આપી હતી.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે જુદા જુદા સ્થળોએથી પેટ્રોલિયમ જથ્થાના સેમ્પલો લઈ અને 900 લીટર આ પેટ્રોલિયમ પેદાશ મળી કુલ રૂૂ. 10,13,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પુરવઠા અધિકારી કે.બી. સોલંકી, પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. ડી.એ. વાળા, નાયબ મામલતદાર મનદીપસિંહ જાડેજા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, હરદીપસિંહ, નિર્મલભાઈ, કૃષ્ણરાજસિંહ અને સુમાતભાઈ દ્વારા કરવામાં આવી હતી.
