ઉના-ગીર રોડ પર ખાપટ ગામ નજીક આવેલી રાજ જિનિંગ મિલ પાસે બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. મૃતક યુવકોની ઓળખ હરમડીયા ગામના 25 વર્ષીય ભરત ઓઘડભાઈ જેઠવા અને વડવિયાળા ગામના 21 વર્ષીય રાકેશ બાબુભાઈ સાંખટ તરીકે થઈ છે.
અકસ્માત સમયે એક બાઇક પર ત્રણ સવાર હતા, જ્યારે બીજી બાઇક પર બે સવાર હતા. બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે. ગીર ગઢડા તાલુકાના વડવિયાળા અને હરમડીયા ગામના આ બાઇક સવારો વચ્ચે થયેલા અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
