રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલા એ.જી.ચોક ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર (ઉંમર 27) અને તેમના મિત્ર અકિલરાજ રમેશભાઈ વાઘેલા (ઉંમર 23) એ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભોગ બનનાર જીગ્નેશે આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, શનિવારે તેઓ બંને મિત્રો ચા પીવા માટે કે.કે.વી હોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એક્ટિવા પર સવાર થઈને આવેલી બે યુવતીઓએ તેમના પર થૂંક્યું હતું. આ બાબતે યુવકોએ યુવતીઓને ટોકીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીઓએ ઉલટો તેમના પર છેડતીનો ખોટો આક્ષેપ લગાવી દીધો હતો. ત્યારબાદ યુવતીઓએ પોતાના પરિવારજનોને ફોન કરીને સ્થળ પર બોલાવી લીધા હતા અને મોટો દેકારો કર્યો હતો, જેના કારણે ત્યાં રાહદારીઓનું મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. પીડિત યુવકોના જણાવ્યા અનુસાર, યુવતી અને તેના પરિવારે કાયદો હાથમાં લઈને બંને યુવકોને જાહેરમાં બેફામ માર માર્યો હતો અને ભારે બદનામી કરી હતી.
પરિસ્થિતિ એટલી વણસી હતી કે યુવકોને જાહેરમાં યુવતીના પગે પડીને માફી માંગવા માટે પણ મજબૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતાર્યા હતા. આ જાહેર અપમાન અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાના ડરને કારણે બંને યુવકો માનસિક રીતે ગભરાઈ ગયા હતા અને અંતે ઝેરી દવા પીને આ આત્મઘાતી પગલું ભર્યું હતું. હાલમાં બંને યુવકોએ જાહેરમાં માર મારી કાયદો હાથમાં લેનાર યુવતી, તેના પરિવાર અને ત્યાં હાજર અન્ય શખ્સો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનામાં યુવાને સોશ્યલ મીડિયામાં લાઇવ થઇ યુવતીઓ વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતા અને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ હાલ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
