કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા કમલકોટ વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની ઝપેટમાં આવવાના કારણે ભારતીય સેનાના બે બહાદુર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસની ચોકીઓ પરથી વધારાની સૈન્ય ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. ગંભીર હાલતમાં બંને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને તાબડતોબ શ્રીનગરના બદામીબાગ કેન્ટોનમેન્ટ ખાતે આવેલી આર્મીની પ્રતિષ્ઠિત ’92 બેઝ હોસ્પિટલ’ માં ખસેડવામાં આવ્યા હતા. અહીં મિલિટરી ડોક્ટરોની ટીમે તેઓનો જીવ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી,
પરંતુ ઇજાઓ અતિશય ગંભીર હોવાના કારણે આખરે સારવાર દરમિયાન બંને જાંબાઝ જવાનોએ અંતિમ શ્વાસ લીધા હતા.
દેશની રક્ષા કરતા શહીદ થયેલા બંને સૈન્ય જવાનો મહારાષ્ટ્રના વતની હતા. સેના દ્વારા સત્તાવાર રીતે શહીદોની ઓળખ જાહેર કરવામાં આવી છે. ચવ્હાણ વિક્રમ બાલકૃષ્ણ: તેઓ મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલા ઠાણે જિલ્લાના ઐરોલી ના રહેવાસી હતા. અર્જુન જાધવ રાજેન્દ્ર: તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તહસીલ હેઠળ આવતા શાહપુર ગામના વતની હતા.
આ આકસ્મિક દુર્ઘટના બાદ ભારતીય સેનાએ સમગ્ર કમલકોટ અને ઉરી સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દીધી છે. આ બ્લાસ્ટ કોઈ આતંકવાદી કાવતરું કે આઈઈડી (IED) બ્લાસ્ટ હતો કે પછી સરહદ રક્ષણ માટે વર્ષો પહેલાં બિછાવવામાં આવેલી એન્ટી-ઇનફિલ્ટ્રેશન માઇન (નજીકની સુરંગ) ફાટવાના કારણે થયો હતો, તે દિશામાં સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમે ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે.
