કાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોત

કોમ્પ્યુટર કલાસમાંથી છૂટી વેરાવળ શાપરથી નવાગામ આવતા ગુંદાસરા નજીક કાળ ભેટયો નવાગામ આણંદપર ગામમાં બે મિત્રોની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગ્રામજનો હિબકે ચડ્યા રાજકોટના નવાગામ…

કોમ્પ્યુટર કલાસમાંથી છૂટી વેરાવળ શાપરથી નવાગામ આવતા ગુંદાસરા નજીક કાળ ભેટયો

નવાગામ આણંદપર ગામમાં બે મિત્રોની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગ્રામજનો હિબકે ચડ્યા

રાજકોટના નવાગામ આણંદપર વિસ્તારમાં આજે સવારથી શોકનું મોજું ફરી વળ્યું છે. 17 વર્ષીય બે મિત્રો, જતીન છગનભાઈ સરવૈયા અને બળદેવ ખોડુંભાઈ સેજાણી, જેઓ ધોરણ 12માં અભ્યાસ કરતા હતા, તેમનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ બંને મિત્રો આજે સવારે પોતાની બાઈક લઈને શાપર વેરાવળ ખાતે કમ્પ્યુટર ક્લાસીસમાં અભ્યાસ માટે ગયા હતા.સવારે 9 થી 11 વાગ્યા સુધીના ક્લાસીસ પૂરા કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે ગુંદાસરા નજીક આવેલા મસ્તક ફાટક પાસે તેમની બાઈક એક રોડ રોલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેને માથાના ભાગે અને શરીરના અન્ય અંગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માત બાદ બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બચાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ માથામાં લાગેલી ગંભીર ઈજાઓને કારણે બંને વિદ્યાર્થીઓએ સારવાર દરમિયાન જ અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં જ્યારે તેમના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે પરિવારજનોના કાળજું કંપાવનારા આક્રંદથી સમગ્ર હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. માત્ર 17 વર્ષની વયે બે વિદ્યાર્થીઓને ગુમાવતા બંને પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે. આ કરુણ ઘટનાને પગલે આણંદપર વિસ્તારમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને તેમના મિત્રો તથા સગા-સંબંધીઓની આંખો ભીની થઈ ગઈ છે.

સમગ્ર ઘટનાની જાણ થતા શાપર વેરાવળ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. રોડ રોલર સાથે બાઈક કેવી રીતે અથડાઈ અને તેમાં કોની બેદરકારી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહો પરિવારને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શિક્ષણ મેળવવા નીકળેલા બે મિત્રોનું આ રીતે અકાળે મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં ભારે રોષ અને દુ:ખની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *