શહેરમાં સાતમની મોડી રાતે કોઠારીયા રોડ નિલમ પાર્કમાં ખ્વાજા એપાર્ટમેનટની બાજુમાં રહેતાં અને ઘર નજીક જ કેજીએન સ્ટોર નામે કરિયાણીની દૂકાન ધરાવતાં શાહનવાઝ મુસ્તાકભાઇ વેત્રણ (ઉ.વ.20) નામના યુવાન પર બે શખ્સોએ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી હતી.ફાયરીંગને કારણે છાતીમાં ઇજા થતાં શાહનવાઝને પ્રથમ મધુરમ્ હોસ્પિટલમાં, ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભક્તિનગર પોલીસે શાહનવાઝની ફરિયાદ પરથી નામચીનની છાપ ધરાવતાં પ્રદિપસિંહ ઉર્ફ પરીયો ગઢવી અને ભયલુ ગઢવી સામે હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી ભક્તિનગર પોલીસે બંનેની ધરપકડ કરી હતી. શાહનવાઝના કહેવા મુજબ તે ઘર પાસે જ કરીયાણાની દૂકાન ધરાવે છે.
15મીએ રાતે અગિયારેક વાગ્યે હું ઘર પાસે આવેલા ખ્વાઝા એપાર્ટમેન્ટ નીચે એસ. એ. જ્વેલર્સ નામની દૂકાન પાસે બેઠો હતો અને મારા માસીયાઇ ભાઇ સોહિલ સાથે વિડીયો કોલમાં વાત કરતો હતો ત્યારે એક્સેસ પર પરીયો ગઢવી અને ભયલુ ગઢવી આવ્યા હતાં. ભયલુએ લોડ કર જલ્દી કહેતાં પરીયા ગઢવીએ પોતાની પાસેની પિસ્તોલને ત્રણેક વખત ખેંચી હતી પછી મારી સામે તાંકતા હું ઉભો થઇ ગયો હતો. તે સાથે જ તેણે આજે તો મારી જ નાખવો છે કહી ફાયરીંગ કરતાં મને છાતીમાં બે જગ્યાએ ઇજા થતાં હું ડરી ગયો હતો. આ વખતે મારો મિત્ર અફઝલ સહિતના આવી જતાં આ બંને ભાગી ગયા હતાં અને મિત્રએ મને હોસ્પિટલમાં ખસેડયો હતો.
સાતેક મહિના પહેલા મારા મિત્ર સમીર ઉર્ફ મરઘાએ પુનીતનગર પાણીના ટાંકા પાસે પરીયા ગઢવી પર ફાયરીંગ કર્યુ હોઇ તેનો ખાર રાખી પરીયા અને ભયલુએ મારા પર ફાયરીંગ કર્યુ હતું. તેમ વધુમાં શાહનવાઝે જણાવતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, અશ્વીનભાઇ રાઠોડ, નિલેષભાઇ મકવાણાએ ફાયરીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધી નોંધ્યો હતો.તેમજ આ બંને આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
