ગોંડલ સિટી અ ડિવિઝન પોલીસે ’મ્યુલ બેન્ક એકાઉન્ટ’ દ્વારા સાયબર ફ્રોડથી મેળવેલા રૂ. 1,19,500 સગેવગે કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જ પોલીસની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), નવી દિલ્હી દ્વારા રાજકોટ રેન્જ પોલીસને ’મ્યુલ બેન્ક એકાઉન્ટ’ સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં જમા થયા હતા.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાએ ’મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ કરનારા ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ગોંડલ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ, રાજકોટ રેન્જ સાયબર સેલ અને રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની મદદથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
આ ટીમોએ “”SAMANVAYA”” પોર્ટલ અને “NCCRP” પોર્ટલ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિઓના બેન્ક ટ્રાન્ઝેક્શનોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સાયબર ફ્રોડથી મેળવેલા કુલ રૂ. 1,19,500/- સેલ્ફ ચેકથી ઉપાડીને રોકડમાં રૂૂપાંતરિત કર્યા હતા અને આ નાણાં સગેવગે કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દીપ વિમલભાઈ કોટડીયા (રહે. ગોંડલ, ભોજરાજપરા શેરી નં.24/13 ગેલ કૃપા) અને જય પ્રવીણભાઈ ચાચાપરા (રહે. જેતપુર, બાવાવાળા પરા હવેલીની પાસે) નો સમાવેશ થાય છે.
આરોપીઓ પોતાના અંગત આર્થિક ફાયદા માટે સાયબર ફ્રોડથી મેળવેલા નાણાંને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી, ત્યારબાદ ચેક દ્વારા રોકડમાં ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
આ સફળ કામગીરી ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આર. ગોહીલ, PSI એસ.આર. પંડ્યા, ASI જીજ્ઞેશભાઈ પુરોહિત, પ્રભાતસિંહ પરમાર, યુવરાજસિંહ ગોહિલ, કૃષ્ણરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, રાજેશભાઈ બાંભવા અને જયસુખભાઈ સોરીયા દ્વારા કરવામાં આવી હતી.
