રાજકોટ સહિત રાજય ભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાણ દિન પ્રતીદિન વધી રહ્યુ છે ત્યારે શહેરમાં સામાકાંઠાના ઇમીટેશનના ધંધાર્થી સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્ય હતા. જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર મેહુલનગરમાં રહતા ઇમીટેશનના ધંધાર્થી નરેશભાઇ રામજીભાઇ સોલંકી (ઉ.વ.52)નામના પ્રૌઢ ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબોએ તેમનુ હાર્ટ એટેકથી મોત થયાનુ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
મૃતક ત્રણ બહેનના એકના એક ભાઇ હોવાનુ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં 150 ફૂટ રીંગ રોડ પર બીગબજાર પાછળ આવેલી મારૂતી સોસાયટીમાં બાંધકામ સાઇટ પર રહેતી કુમાદીની સંજુગન નાગ (ઉ.વ.30)નામની શ્રમિક પરિણીતા આજે સવારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનુ મોત નીપજ્યુ હતુ. પ્રાથમિક તપાસ તેણી મુળ ઓરીસાની હોવાનુ અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો.