શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્ર્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન પર તુટી પડયા હતા. શ્ર્વાનને ક્રુરતાપુર્વક માર મારતા વચ્ચે પડેલી મહીલાને પણ માર માર્યો હતો. પિતા-પુત્રની ક્રુરતાનો અરેરાટી ઉપજાવતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે જીવદયા પ્રેમીઓ મુંજકા પોલીસ મથકે ધસી ગયા હતા અને શ્ર્વાન ઉપર હુમલો કરનાર પિતા-પુત્ર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્ર્વર નજીક આવેલી કલ્યાણ સોસાયટીમાં રહેલા ક્રીનાબેન પરમાર શેરીશ્ર્વાનને જમવાનું આપતા હોવાથી આ શ્ર્વાન તેમના ઘર પાસે રહેતો હોય દરમિયાન આજે ક્રિનાબેન શ્ર્વાનને દરવાજા સાથે બાંધી પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેજ સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા અને અભિરાજસિંહ જાડેજા નામના પિતા-પુત્રએ મોકો જોઇ ક્રિનાબેનના દરવાજે બાંધેલા શ્ર્વાન ઉપર લાકડી વડે તુટી પડયા હતા. શ્ર્વાન કણસતુ રહ્યું છતાં આ બન્ને શખ્સોએ દયા રાખી ન હતી અને લાકડીના ઘા ફટકારવાનું ચાલુ રાખતા ક્રિનાબેન તેના ઘરમાં શ્ર્વાનને બચાવવા દોડી આવ્યા હતા. પિતા-પુત્રને હુમલો કરતા અટકાવતા બન્નેએ ઉશ્કેરાઇ જઇ મહીલા સાથે અભદ્ર વર્તન કરી તેમને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત મહીલાને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવી પડી હતી. જયારે શ્ર્વાનને પણ ગંભીર ઇજા થઇ હોવાથી કરૂણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા શ્ર્વાનની સારવાર કરવામાં આવી હતી.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને શ્ર્વાન ઉપર ક્રુરતા આચરનાર પિતા-પુત્ર સામે ફિટકાર વર્ષાવ્યો હતો. આ અંગે ભોગ બનનાર મહીલા અને જીવદયા પ્રેમીઓ મુંજકા પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા અને શ્ર્વાન ઉપર હુમલો કરનાર પિતા-પુત્ર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
