વિજયનગરનો બનાવ, આપઘાતનો પ્રયાસ કરનાર શાકભાજીના ધંધાર્થીને સારવારમાં ખસેડાયા
શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા આધેડે જુના માર્કેટ યાર્ડમાં આવેલી ભાયુ ભાગની દુકાન રૂા.1.05 કરોડમાં વેચી મારી હતી. જે દુકાનના બાકી રહેતાં રૂા.11 લાખની ઉઘરાણી કરવા ગયેલા આધેડને બે શખ્સોએ ફડાકા ઝીંકી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આધેડે ફિનાઈલ પી લીધું હતું. આધેડની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થોરાળા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં ચંદુભાઈ પ્રકાશભાઈ સોલંકી નામના 55 વર્ષના આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં પ્રકાશભાઈ સોલંકી ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ છે અને તેમને સંતાનમાં બે પુત્ર છે. પ્રકાશભાઈ સોલંકી શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશભાઈ સોલંકીએ ભાયુ ભાગની જુના માર્કેટ યાર્ડમાં આવેલી દુકાન રોહિત પરમારને રૂા.1.05 કરોડમાં વેચી હતી. જે વેચાણથી આપેલી દુકાનના બાકી રહેલા રૂા.11 લાખની ઉઘરાણી કરવા ગયા હતાં ત્યારે રોહિત પરમાર અને દેવીપૂજક સમાજના પ્રમુખ કડવાભાઈએ ફડાકા મારી ધમકી આપી હતી. જેનાથી કંટાળી પ્રકાશભાઈ સોલંકીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના મામલે હાલ પોલીસે ચંદુભાઈ સોલંકીને નિવેદન લઈ હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.
