ગોંડલના મોવિયા ગામે નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરે બે શખ્સોનો આતંક

ગોંડલ તાલુકાના મોવીયા ગામે 7 લાખની ઉઘરાણી મામલે મોવીયા ગામે રહેતા અને એસ.ટી. નિગમમાંથી નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી બે શખ્સોએ આંતક મચાવી પુત્રને જાનથી મારી…

ગોંડલ તાલુકાના મોવીયા ગામે 7 લાખની ઉઘરાણી મામલે મોવીયા ગામે રહેતા અને એસ.ટી. નિગમમાંથી નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી બે શખ્સોએ આંતક મચાવી પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ મોવીયા ગામે રહેતા અને એસ.ટી. નિગમમાંથી નિવૃત્ત થયેલા 72 વર્ષીય વૃદ્ધ ચંદુલાલ બોઘાભાઈ ભુવાના ઘરમાં રાત્રિના સમયે ઘરની ડેલી ટપી અંદર ઘૂસીને આવેલ ગાંધીનગરના રોનક ક્રિશ્ચન અને વિજય વાલંદ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી ચંદુલાલ ભુવા પોતાના પત્ની જ્યોત્સનાબેન (ઉંમર 65) સાથે મોવીયા ગામે પોસ્ટ ઓફિસ બાજુમાં રહે છે.
તેમનો પુત્ર દર્શક ગાંધીનગર ખાતે પરિવાર સાથે રહે છે અને ત્યાં હોટલનો વ્યવસાય કરે છે. ગત તારીખ 29 જુલાઈના રોજ રાત્રિના આશરે 11:00 વાગ્યાના સુમારે ચંદુલાલ અને તેમના પત્ની ઘરમાં સૂતા હતા. તે સમયે ગાંધીનગરમાં દર્શકની હોટલની બાજુમાં કાપડની દુકાન ધરાવતા રોનક ક્રિશ્ચન અને વિજય વાલંદ નામના બે શખ્સો તેમના ઘરની બહાર આવી પહોંચ્યા હતા.

આ બંને શખ્સોએ મોડી રાત્રે ચંદુલાલના ઘરની ડેલી ઠેકીને ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેમણે અવાજ કરીને દંપતીને પૂછ્યું હતું કે, “તમારો દીકરો દર્શક ક્યાં છે? અમારે તેની પાસેથી આપેલા રૂ. 7,00,000 પાછા લેવાના છે.” ફરિયાદી ચંદુલાલે દર્શક ક્યાં છે તેની પોતે અજાણ હોવાનું જણાવતાં, બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને વૃદ્ધા જ્યોત્સનાબેન પાસેથી દર્શકનો મોબાઈલ નંબર માગ્યો હતો. જ્યોત્સનાબેને પણ પુત્ર સંપર્કમાં ન હોવાનું જણાવતાં આરોપીઓ ઉગ્ર બન્યા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે, “તમારો દીકરો મળશે એટલે તેના બે ટુકડા કરી નાખવા છે, તેને જીવતો નથી મુકવાનો! અને જો એ તમારા ઘરેથી મળ્યો તો તમે પણ ગયા સમજજો!”

મોડી રાત્રે થતાં મોટો અવાજ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના પડોશીઓ અને શેરીના લોકો જાગી ગયા હતા. આજુબાજુમાંથી લોકો એકઠા થવા લાગતાં જ બંને આરોપીઓ પોતાની ફોર-વ્હીલર ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે નિવૃત્ત વૃદ્ધ ચંદુલાલ ભુવાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગોંડલ તાલુકા પોલીસે રોનક ક્રિશ્ચન અને વિજય વાલંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનભાઈ સાગઠીયાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *