સમાધાન કરાવવાનું કહી કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ છરી સાથે ધમાલ મચાવી

શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટરમાં કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ કારમાં ધસી આવી યુવાનના ઘરના ડેલા પર છરીના ઘા ઝીંકી ધમાલ…

શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટરમાં કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ કારમાં ધસી આવી યુવાનના ઘરના ડેલા પર છરીના ઘા ઝીંકી ધમાલ મચાવી હતી. બાદમાં ફરી બીજીવાર આવી છરી વડે હુમલો કરી સમાધાન નહીં કરાવ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભગતસિંહ ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા નીશાબેન ડેનીશભાઇ દેસાણી (ઉ.વ.26)એ યુનિ. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉમંગ પટેલ અને રાજ પટેલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેઓ ઘરે સુતા હતા ત્યારે ઘર બહાર કાળા કલરની નંબર પ્લેટ વગરની એન્ડોવર કાર આવેલી જેમાં પ્રેસનું બોર્ડ લગાવેલ હતું. જે ગાડીમાં ઉમંગ પટેલ અને રાજ પટેલ હોય જેઓએ ફરિયાદીના પતિને કહેલુ કે, તું અમાર અને જયેશભાઇ વચ્ચે સમાધાન કરાવી આપ તે બાબતે માથાકૂટ થયેલી અને તેઓએ દરવાજો ન ખોલતા બંનેએ ઉશ્કેરાઇ જઇ રાજે પોતાની પાસે રહેલી છરી કાઢી દરવાજામાં છરીના ઘા ઝીંકીયા હતા અને બારીમાં લાગેલી મચ્છરની જાળી તોડી નાખી હતી નુકસાન કરી દરવાજા ઉપર ઇટના ઘા ફટકારી નાશી છુટ્યા હતા.

બાદમાં એકાદ કલાક બાદ ફરી ધસી આવ્યા હતા અને ફરિયાદી અને તેના પતિ ઘર બહાર હોય બંને આરોપીઓે છરી વડે પતિ ઉપર હુમલો કરતા ફરિયાદી પતિને બચાવવા વચ્ચે પડતા તેને હાથમાં છરીનો છરકો પડી ગયો હતો. બાદમાં આરોપીઓએ ઝપાઝપી કરી તેના પતિને ‘જો તું સમાધાન નહીં કરાવ તો તને જાનથી મારી નાખીશુ’ તેવી ધમકી આપી બંને નાશી છુટ્યા હતા. બંને આરોપીને જયેશભાઇ સાથે માથાકૂટ થઇ હતી અને જયેશભાઇ ફરિયાદીના પતિના મિત્ર હોવાથી આરોપીઓ તેમને જયશેભાઇ સાથે સમાધાન કરાવવાનું કહેતા હતા.આ અંગે યુનિ. પોલીસે બંને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી ઉમંગ પટેલ કુખ્યાત આરોપી છે. તેના વિરૂધ્ધ અગાઉ મારામારી, ધમકી, પ્રોહિબિશન સહિતના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *